શ્રી ધણીમાતંગ દેવનો જન્મ
જગત ઉપર જયારે જયારે પાપ, અધર્મ, જોર જુલમ વધે છે ત્યારે ત્યારે અલખદેવ નરાકારમાંથી આકારમાં આવી પાપ જુલમ અને અધર્મના આચરનારાઓનો નાશ કરી અને સત્ય ધર્મનો સંચાર કરી ફરીવાર નિરંજન નરાકાર સેભુ સચરાચર અવસ્થામાં પહોંચી જાય છે.
અલખ દેવના આગળના નવ અવતાર એના પુરાવા રૂપે છે. મચ્છ, કોરંભ, વારાહ, નાસંગ, વામન, પરશુરામ, શ્રી રામ, કાન, બુધ્ધ. અને દશમો અવતાર શ્રી ધણીમાતંગ દેવ જે ભગવાન કલ્કીપાત્ર હતા તેમનો થયો.
શ્રી ધણીમાતંગ દેવનો બીજો નામ ભગવાન કલ્કી છે. કલ્કી એટલે કલંક. ચાર યુગ પહેલાનું આ સમાજ પર લાગેલું ગૌ હત્યાનું કલંક. આ કલંકમાંથી મુક્તિ અપાવનાર સત્યધર્મનો સાચરણ આપનાર, દ્રરિદ્રતાથી મુક્તિ અપાવનાર સર્વથી શ્રેષ્ઠ મહેશપંથ. બારમતી તીર્થ જેવા મહાયજ્ઞ આપીને પછાત મેઘવાળ જાતિને ઉચ્ચસ્થાન આપીને કલંક માંથી મુક્ત કર્યા તે ભગવાન કલ્કીપાત્ર શ્રી ધણીમાતંગ દેવ પોતે હતા.
આ ઈશ્વર મહેશ્વર દેવનો જન્મ ભારત ખંડમાં બિહાર રાજય ત્યાં વસતું પટણા શહેર. આ શહેરના છેવાડે વહેતી ગંગા મૈયા. આ ગંગા મૈયાના કિનારે રહેતા મોટા મોટા ઋષીઓ, મુનિઓ, સાધુ સંતો, જતીઓ, તપશ્વીઓ એવા નાના સમૂહમાં રહેતા. જેમાં બ્રાહ્મણો, ક્ષત્રિઓ, વેશ્યો, શુદ્રો સહુ પોત પોતાના સમૂહમાં રહેતા અને જપ, તપ, યોગ ના આધારે ઈશ્વર અલખદેવને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરતા અને ખેતી વણાંકથી પોતાનો ગુજારો કરતા.
એવો એક સમૂહ જે કશ્યપ રૂષી કુળનો હતો. તેમાં માત્રોરખ અને જસદે દેવી એવા દંપતિ રહેતા. માત્રોરખનો ગોત્ર કશ્યપ બ્રાહ્મણ કુળ હતો અને જસદે દેવીનો ગોત્ર ગૌતમઋષીનો કુળ હતો. આરાધી અને શુદ્ધ જીવન જીવનાર એવા આ દંપતિ અખંડ બાર વર્ષનાં બ્રહ્મચારી વર્ષનો પાલન કરનાર દંપતિ રહેતું. એવા જતી સતી સેવાધારી આરાધી જીવોને ત્યાં અલખ દેવને દશમું અવતાર ધારણ કરવાનું થયું.
એકવાર એવું થયું કે ઋષીકુળની સ્ત્રીઓ ગંગાનદીમાં પાણી ભરવા સમૂહમાં ગયેલ. ત્યારે એક એવી ઘટના બની કે ગંગા નદીના પાણીના પ્રવાહમાં એક લાકડાની પેટી તરતા તરતા આવી રહી છે. તેના ઉપર જસદે દેવીની નજર પડી. નજર પડતા જસદે દેવીએ કહ્યું આ સામે જે વસ્તુ આવે છે તે મારી છે. એના ઉપર પહેલા મારી નજર પડી છે. એટલે આ વસ્તુ મારી છે.
થોડીવારમાં આ પેટી કિનારા પર આવી ગઇ. પેટી ઉઘાડી જસદે દેવીએ અંદર જોયું તો પેટીની અંદર એક બાળક સુતો સુતો રમી રહ્યો છે. રૂપરૂપનો અંબાર, તેજસ્વી, મઘભરી મધુર આંખો વાળો ફુલોની સેજ જેવા સુવાળા શરીર વાળો. એને રમતો જોઇ એવું લાગે જાણે જગતને રમાડનારો આવી રહ્યો છે. આવું સુંદર મજાનું બાળક લાકડાની પેટીમાં રમી રહ્યું છે. જસદે દેવી આ બાળકને નીરખીને જોઇ રહ્યા છે. બાળકનાં રૂપ રંગ, તેની આંખો, તેના હાથ પગ, એમનું શરીર, એમને રમતો જોઇ જશદે દેવી ખૂબજ રાજી રાજી થયા અને આ બાળકને નીરખીને જોઇ રહ્યા. અને બાળક પણ જસદે દેવીને જોઇને હસી રહ્યો છે જાણે ઓળખતો હોય. અને થોડીક ક્ષણોમાં બાળકના શરીરમાંથી પ્રકાશ પ્રગટયો અને થોડીવારમાં પેટીમાં તેજ સ્વરૂપ પ્રકાશ ફેલાઇ ગયો અને થોડીજ વારમાં આ બાળક અને પ્રકાશ એક નાની જયોતિ સ્વરૂપે થઇ ગયા અને જસદે દેવીની આંખોમાં તેજ સ્વરૂપે સમાઇ ગયા.
અને જસદે દેવી તરત આંખો બંધ કરીને આંખોને ચોરતા ચોરતા કહ્યું, આ મને શું થઇ રહ્યું છે, આ મારી આંખોને શું થયું ? તરત બીજી સ્ત્રીઓ દોડતા દોડતા આવીને જસદે દેવીના હાથ પકડીને કહેવા લાગી, શું થયું ? જસદે શું થયું ?
આ પેટીમાં બાળક છે તેજ રૂપ પ્રકાશે તે મારી આંખોમાં, આ બધું શું થયું ? જસદે દેવીએ કહ્યું.
બધી સ્ત્રીઓએ પેટીમાં જોયું તો પેટી ખાલી હતી. પેટીમાં કાંઇ ન હતું. પેટી તો ખાલી છે, પેટીમાં કાંઇ નથી, બધી સ્ત્રીઓએ કહ્યું. જસદે દેવીએ અચંબામાં પડી જઇને કહ્યું, હે દેવીઓ મારો વિશ્વાસ કરો, હું સાચું બોલું છું. આ પેટીમાં બાળક હતું જે તેજ અને પ્રકાશ રૂપે થઇ કયાંક અલોપ થઇ ગયું.
બધી સ્ત્રીઓએ આ વાત હસીમજાકમાં ઉડાવી નાખેલ. જસદે દેવીએ ઘરે આવતા વેત આ વાત પોતાના પતિ માત્રોરખને કહી. માત્રોરખે આ વાત ભ્રમણા સમજી કાઢી નાખવા કહ્યું. આવી રીતે આ વાતને ભૂલાવી દેવાઇ.
સમય જતા જતા દિવસો ગયા. મહિના ગયા એમ કરતા કરતા ચાર-પાંચ મહિનાનો સમય થયો. ત્યારે જસદે દેવીમાં ગર્ભવતી સ્ત્રીના લક્ષણ દેખાયા. ધીરે ધીરે આ વાત ઋષી સમૂદાયમાં ફેલાવા લાગી. સહુ કોઇ આ વાતની ચર્ચા કરી રહ્યા છે.
આ વાતની માત્રોરખને જાણ થઇ ત્યારે તેમને ખૂબજ વિસામણ થઇ અને દુઃખ સાથે ક્રોધ થયો કે આ શું બની રહ્યું છે. હું તો બાર વર્ષ બ્રહ્મચર્ય વ્રતમાં છું અને આ વ્રત પાળતા ત્રણ વર્ષ જેવો સમય થઇ ગયો છે. તો પછી આ બાળક કેમ થયો, એવા વિચાર અને ક્રોધ સાથે જસદે દેવી પાસે ગયા.
અને ક્રોધમાં કહેવા લાગ્યા કે જસદે હું તમને દેવી તરીકે સમજતો અને આ તમે આ શું કર્યુ ? આવા ક્રોધે ભરેલા શબ્દો, અણછાજતા અપમાનજનક શબ્દો માત્રોરખ બોલવા લાગેલા. ત્યારે જસદે દેવી માત્રોરખના પગમાં પડી બોલવા લાગેલા, હે દેવ, હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે હું પવિત્ર છું. મને આ જે કાંઇ થઇ રહ્યું છે તેની કાંઇ ખબર નથી પડતી. આવી રીતે પતિના ચરણોમાં પડી જસદે દેવી રડવા લાગેલા.
ત્યારે માત્રોરખને વિચાર આવ્યો કે વાત સાચી લાગે છે. જસદે દેવીની કયાંય પણ કયારે પણ ખરાબ કે ગંદી વાતો નથી થઇ. તો પછી આ શું છે ? આ સત્ય જાણવા માટે જરૂર કોઇ ઉપાય કરવું પડશે.
ત્યારે માત્રોરખે સર્વ બ્રહ્મઋષીઓને બોલાવી સઘળી વાત અને હકિકત સંભળાવેલ અને આનો સત્ય ભેદ શોધી કાઢવા માટે પ્રાર્થના કરી અને સર્વ બ્રહ્મઋષીઓ સત્ય શું છે તે જાણવા અલખદેવની આરાધના કરતા કરતા ધ્યાન મુદ્રામાં બેસી ગયા.
થોડા સમય પછી આ બ્રહ્મઋષીઓને આકાશવાણી થઇ, હે, બ્રહ્મઋષીઓ જે સત્ય જાણવા માંગો છો તે ધ્યાનથી સાંભળો. તમારા ઘરે અલખદેવના દશમાં અવતાર ભગવાન કલ્કીપાત્રનું આગમન થઇ રહ્યું છે. જે દેવાધી દેવ મહેશ્વર દેવ પોતે છે અને એના માતા પિતાનો યશ માત્રોરખ અને જસદે દેવીને મળશે. એટલા માટે હે બ્રાહ્મણો તમે કોઇ પણ ખોટું અર્થ કાઢતા નહી. બાકી માત્રોરખ અને જસદે દેવી શુદ્ધ જતી સતી છે. જસદે દેવી શુદ્ધ પતિવ્રતા છે. એમના ગર્ભમાં મહેશદેવનાં દશમાં અવતાર રમી રહ્યા છે અને આ અવતારી પુરૂષોને માતાપિતાની જરૂર રહેતી નથી. એતો એક બાનારૂપી કાર્ય કરવા પડે છે. આવા મહાન પુરૂષો તો ગેભી આવે છે, ગેભી રીતે જન્મે છે અને ગેભી રીતે ચાલ્યા જાય છે.
એટલા માટે હે સુનિવરો-મુનિવરો, આ જે કાંઇ થઇ રહ્યું છે તે અલખ દેવ પોતે કરી રહ્યા છે. આમાં જસદે દેવીનો કોઇ દોષ નથી.
આવી આકાશવાણી થતા બ્રહ્મઋષીઓ આનંદીત થયા અને માત્રોરખ અને જસદે દેવીને વધામણા દેવા લાગેલા.
જસદે દેવીનો તો હર્ષનો પાર જ નહોતો. દિવસો આનંદ ઓછભમાં જતા. રાત્રે સુંદર મજાના સપના આવતા. કયારેક જાણે હિમાલયના પહાડોમાં વિહાર કરતા હોય તેવું લાગે, કયારેક ગંગામૈયામાં સ્નાન કરતા હોય તેવું લાગે, કયારેક શિવાલયો, મહાદેવ, ગવરી પાર્વતી, ગણેશ દેવ એવા એવા દેવોના સ્થળોના શુભ સપના આવતા રહ્યા. અને આમ કરતા કરતા ઈશ્વરના દશમાં અવતારને આવવાનો સમય આવી ગયો.
વિક્રમ સંવત ૯૪૩, શાલીવાન સક ૮૦૯, મહા મહિનો, કૃષ્ણ પક્ષ, તીથી ત્રીજ, વાર શનિવાર, મઘા નક્ષત્ર, અમૃત ચોઘડીયે ગૌતમ ઋષીનો દોહિત્રો, માત્રોરખનો પુત્ર ચાર યુગ મહેલાની વાચા પાળવા આવી પહોંચ્યો મહેશ દેવનો અવતાર.
રાત્રે જસદે દેવી ભર નિંદ્રામાં સુતા છે. રાત્રીનો સમય છે. આકાશ આજે સોળે કળાએ ખીલી ઉઠયું છે. ચંદ્રમાં આજે ઈશ્વરના દશમાં અવતારને સત્કારવા થનગની રહ્યો છે. પક્ષીઓ શાંત અને આનંદીત બની મહેશદેવના આવવાની પ્રતિક્ષા કરી રહ્યા છે. મધ્ય રાત્રીનો સમય છે. જસદે દેવી ભર નિંદ્રામાં સુતા છે. ત્યારે એકાએક જસદે દેવીની આંખોનાં નેત્રો ખૂલે છે તેમાંથી પ્રકાશમય જયોત પ્રગટ થાય છે અને થોડી ક્ષણોમાં આ જયોતિમાંથી બાળક ઉત્પન થાય છે અને માતા જસદે દેવીના પડખામાં સૂઇ જાય છે.
થોડીકવાર પછી બાળક રડવા લાગે છે. જોરજોરથી રડતા બાળકનો અવાજ સાંભળી માતા જસદે દેવી નિંદ્રામાંથી જાગી ગયા. આંખો મસળતા મસળતા જોયું તો પોતાના પડખામાં બાળક સુતો સુતો રડી રહ્યો છે.
માતા જસદે અચંબામાં પડીને વિચારવા લાગેલા કે આ શું થયું ? આંખીમાં મીઠી બડતરા, શરીરમાં ફેરફારો, પડખામાં રડતો બાળક... અને માતા જસદે દેવીએ તરત બાળકને ઉપાડી લઇ છાતી સરસો દબાવી દીધો અને તરત માત્રોરખને જગાડીને કહ્યું, આ જુઓ તો બાળક, આ બાળક કયારે જન્મયો તેની મને ખબર નથી. માત્રોરખે તરત ઉઠીને જોયું તો ચંદ્રમાંની સોળે કળાઓથી ખીલતું બાળક જોઇ માત્રોરખ આનંદીત થયા. સર્વે બ્રહ્મઋષીઓને ભેગા કરતા કહ્યું, આ બાળકનું નામ અને ભવિષ્ય બતાવશો.
સર્વે બ્રહ્મઋષીઓને માત્રોરખને કહ્યું, આ બાળકનું નામ ' ડ' ઉપરથી ડમરૂં. કારણ કે બાળકનો જન્મ થયો ત્યારે કર્કનો ચંદ્રમાંનો છેલ્લો ચરણ ચાલતું હતું. પણ જસદે દેવી જયારે જાગૃત થયા અને ખબર પડી ત્યારે સિંહના ચંદ્રમાંનું પ્રથમ ચરણ ચાલતું હતું. એટલે 'મ' ઉપરથી - માતંગ નામ પાડવું જોઈએ. માતંગનો અર્થ થાય સર્વથી શ્રેષ્ઠ, દયાળુ, કરૂણાકર, જીવોના કલ્યાણકારી, સર્વ ગુણોથી શ્રેષ્ઠ. પણ સાથે સાથે એક વાત દુઃખ સાથે કહેવી પડશે. માત્રોરખ આ બાળક તમને કામ નહી આવે. કારણકે એમનું જીવન જીવોને કલ્યાણકારી મોક્ષગતીના માર્ગની સમજણ આપવા માટે થયું છે. એ એક જગ્યાએ સ્થિર ન રહી શકે. દેશ દેશાવરમાં પ્રદક્ષિણા કરનારો થશે.
આવી રીતે માતંગ દેવનું નામ અને ભાગ્ય સહુએ જાણ્યું.
નાનપણમાં માતંગદેવે ઘણા ચમત્કારો કરેલા. જેવા કે ઘણીવાર એવું બનતું કે માતા જસદે દેવી ઘરકામમાં પ્રેરિત હોય ત્યારે ઘોડીયામાં માતંગદેવ સુતા હોય ત્યારે ઘોડીયું આપ મેળે ચાલતું હોય. જાણે કોઇ એમને જુલા જુલાવી રહ્યું હોય તેવું લાગે.
ઘરમાં ઘણીવાર કાળા સાપો દેખાતા. એકવાર એવું બન્યું કે માતંગદેવને ઘોડીયામાંથી બહાર આવી સાપ સાથે રમતો જોઇ માતા જસદે દેવી ગભરાઇ ગયા અને રાડારાડ કરી નાખેલ. માત્રોરખ દોડતા દોડતા આવેલા પણ સાપ તો અદ્રશ્ય થઇ ગયેલો.
એકવાર જસદે દેવી પાણી ભરીને ઘરે આવતા જોયું તો માતંગદેવ આંગણામાં સુતા છે. ચારેબાજુ તડકો છે પણ માતંગદેવ ઉપર છાંયો હટતો નથી. જે ઝાડનો છાંયો માતંગ દેવ ઉપર પડતો હતો તે અવળી દિશામાં હતું.
આવી રીતે નાનપણમાં માતંગદેવે ઘણા ચમત્કારો કરેલા. આમ કરતા કરતા માતંગદેવ જયારે પાંચ વર્ષના થયા ત્યારે માતા જસદે દેવીએ બીજો પુત્ર રત્નને જન્મ આપ્યો. જેનું નામ ઠાકરો. માતંગ અને ઠાકરો બે ભાઇઓ.
આમ સમય નીકળતો ગયો અને માતંગદેવ મોટા થતા ગયા. જેમ જેમ માતંગદેવ મોટા થતા જાય તેમ તેમ તેમની રહેણી કરણી, એમનો વહેવાર સૌને પ્રિય લાગે છે પણ માતંગદેવનું મન કયાંય પણ લાગતું નથી. ઘણીવાર એકાંતમાં બેસી જતાં અને કેવા કેવા ઉંડા વિચારોમાં સરી જતાં કે સમયનું ભાન જ ન રહેતું.
આમ માતંગદેવ જયારે ૧૫ વર્ષના થયા ત્યારે માતંગદેવની આવી દશા જોઇને પિતા માત્રોરખે કહ્યું કે બેટા તું આમ ગુમસુમ બેઠો રહે છે તો પછી કાંઇક કામ કર. આપણી જમીન છે તેમાં ખેતી કર.
પિતાનું બોલવું પાળવા માતંગદેવ ખેતી કરવા જાય છે. બળદો સાથે હળ જોડી માતંગદેવ ખેતર ખેડે છે. પણ પ્રભુનું મન તો કયાંય ફરી રહ્યું છે. થોડીવાર પછી માતંગદેવ થાકીને કરમના ઝાડની છાંયામાં સુઇ જાય છે ત્યારે જમીન પાતાળમાંથી પ્રભુને આનંદ થાય અને નિંદ્રા આવી જાય તે માટે નવ કોડી નાગનાટારંભનો નાદ પિરસવા લાગે છે.
જયારે ઈશ્વર માતંગદેવ ભર નિંદ્રામાં સુતા હોય છે ત્યારે આકાશવાણી થાય છે કે, હે દેવ, તમે ઉઠો જાગો. સુવાનો આ વખત નથી. તમારે ઘણા કામો કરવાના છે. આ જગતના માનવી જે દુઃખી, ભૂખી, દરિદ્ર, અજ્ઞાની એવા જીવો તમારી રાહ જોઇ રહ્યા છે. તેમનો ઉદ્ધાર તમારે કરવાનો છે. એટલે જાગો, જગના ધણી જાગો... પણ માતંગદેવ તો ભર નિંદ્રામાં સુતા છે. ત્યારે એક એવી ઘટના બની કે બપોરનો સમય છે. કરમના ઝાડનો છાંયો દૂર સરકી ગયો છે. માતંગદેવ તડકામાં સૂતા છે. પાતાળમાં શેષનાગને ખબર પડી કે મારો નાથ દેવાધી દેવ મહેશદેવ તડકામાં સૂતા છે. તેના ઉપર છાંયો કરવા માટે ફણીધર નાગ પાતાળમાંથી પ્રગટ થઇને પોતાની ફણીદારથી માતંગદેવ ઉપર છાંયો કરી રહ્યો છે. અને આ બાજુ બળદો હળ સાથે જોડેલા છે અને ખેતર ખેડી રહ્યા છે. વગર માણસે ખેતર ખેડાઇ રહ્યું છે અને માતંગદેવ ભરનિંદ્રામાં સૂતા છે.
અને ત્યારે નાનો ભાઇ ઠાકરો માતંગદેવનું જમવાનું ભાતું લઇને આવે છે. આવતા વેત આવું બધું જોઇને ખૂબજ ડરી જાય છે અને ધ્રુજતા ધ્રુજતા રાડો પાડે છે, હે ભાઇ જાગો, ભાઇ જાગો, આ નાગ તમને... ભાઇ જાગો... પણ ત્યાંતો નાગ અદ્રશ્ય થઇ જાય છે અને માતંગદેવ તો આનંદથી સૂતા છે. ત્યારે ફરી એકવાર આકાશવાણી થાય છે. જાગો દિનાનાથ જગતના કિરતાર જાગો. અને માતંગદેવ આળસ મરડીને ઉઠયા. સામે જુએ છે તો ભાઇ ઠાકરો ધ્રુજી રહ્યો છે. ઠાકરાએ માતંગદેવને નાગની વાત કરી અને માતંગદેવે હસીને ઉઠતા કહ્યું, ભાઇ આવું તો જગતમાં થયા કરે, ચાલ આપણે જમી લઇએ.
ઘરે આવીને આ વાત ઠાકરાએ માતા પિતાને કરી. માતા જસદે અને પિતા માત્રોરખને બહું ચિંતા થવા લાગી.
માતંગદેવને જયારે આ વાતની ખબર પડી કે મને જે અનુભવ થઇ રહ્યો છે તેની સર્વ લોકોને જાણ છે ત્યારે નક્કી કર્યુ કે હવે જે કાર્ય મારે કરવાના છે તે કાર્ય મારે કરવા જોઇએ. અને એક દિવસ માતંગદેવે માતાપિતાને હાથ જોડીને કહ્યું, મારા પૂજનીય માતાપિતા, મારી અરજ સાંભળો, મને હવે રજા આપો, મને મારા કાર્ય કરવા આપો જે કાર્ય માટે હું આવ્યો છું તે કાર્ય કરવા માટે મને રજા આપો.
માતાપિતા બંને હેબતાઇ ગયા. બેટા, તું આ શું બોલી રહ્યો છે ? અમને મૂકીને જતાં તને કાંઇ વિચાર થાય છે. એવી ઘણીઘણી સમજાવટ કરી તોય માતંગદેવ ન માન્યા અને માતાપિતાને પગે લાગીને રવાના થયા.
હવે માતંગદેવ આમ પોતાના માતા, પિતા, ભાઇ અને ઘર છોડી અને ઉગમણી દિશા તરફ ચાલતા થયા. ચાલતાં ચાલતાં માર્ગમાં ભૂગ લાગે, તરસ લાગે છતાં પણ કોઇને કાંઇ કહેતા નથી કે મને જમવાનું આપો કે પીવા માટે પાણી આપો. જયારે જંગલમાં કોઇ વનફળના ઝાડ હોય તે વનફળ ખાઇ લેતા અને પાણીની તરસ લાગે તો નદી અથવા પાણીના કોઇ પણ નેસમાંથી પાણી પી લેતા. જયારે રાત પડે ત્યારે જંગલ હોય કે ડુંગરાળ જમીન હોય, જયાં રાત પડે ત્યાં સૂઇ લેતા. આમ કરતાં કરતાં દિવસ થતાં ફરી પાછા માર્ગમાં પંથ કાપવા રવાના થતા.
આમ કરતાં કરતાં અનેક કષ્ટો પડયાં. આખરે અરૂણાચલ પ્રદેશ પહોંચી ગયા અને જયાં અચરેસર લીંગ હતું ત્યાં તે લીંગના દર્શન કરી ઉભા રહ્યા. આમ દર્શન કરી અંતે વિચાર કરી ત્યાં જ બેસી ગયા ત્યાં જંગલ સારી પેઠે હતું. વનસ્પતિ પણ પુષ્કળ પ્રમાણમાં હતી. વનફળના વૃક્ષો પણ પુષ્કળ પ્રમાણમાં હતાં. પર્વતોમાં પાણીનાં ઝરણાં પણ પુષ્કળ હતાં. હરેક રીતે સમૃદ્ધ અને સારી સગવડ જણાતા માતંગદેવે અહીં તપ કરવાનો વિચાર કર્યો અને દ્દઢ નિશ્ચય સાથે તપ કરવા બેસી ગયા. આમ કરતાં જયારે ભુખ લાગે ત્યારે વનફળ ખાઇ લેતાં અને તરસ લાગે તો ઝરણાંમાંથી પાણી પીતાં અને ફરી પોતાના તપમાં બેસી જતાં. જેમ જેમ તપ કરવામાં દિવસો પસાર થતાં ગયા તેમ તેમ માતંગદેવનું મુખ તેજસ્વી બનતુ ગયું. આમ કરતાં કરતાં છ માસ વીતી ગયા. ત્યાર પછી માતંગદેવ ફળફુલ અને પાણીનો આહાર ઓછો કરતા ગયા. આમ ઓછું કરતા કરતા ફળફુલ અને પાણીનો આહાર મૂકીને ફકત પવનના આધારે જીવન ટકાવી રાખ્યું અને સંપૂર્ણ ચિત્તે ધ્યાન ધરવા બેસી ગયા. તડકો, ટાઢ કે વરસાદની પણ કાંઇ પરવા કર્યા સિવાય જે કાંઇ કષ્ટો પડતાં તેને તેઓ સહન કરી લેતા. એવી રીતે માતંગદેવે અચરેચર લીંગ ઉપર બાર વર્ષ સુધી કઠોર તપ કર્યુ. આમ, માત્ર પંદર વર્ષની કુમળી અવસ્થામાં શ્રી માતંગદેવ સતત બાર વર્ષ સુધી તપ કર્યુ તો તેમની જટા વધી ગઇ. આમ તેઓ જટાધારી સાક્ષાત્ જયોતિસ્વરૂપ મહેશદેવના સ્વરૂપ સમાન બની ગયા. ત્યારે માતંગદેવને એક ગેભી અવાજ સાંભળવા મળ્યો કે આજથી તમે કરકેશ્વર લીંગ સ્વરૂપ બન્યા છો. જે સમાજ ઉપર ચાર યુગથી કલંક છે તે સમાજને હવે તમે જ્ઞાનમાર્ગ ઉપર ચડાવો તેમના ઉપરથી કલંક ઉતારો. તમે આજથી પૂર્ણ મહેશદેવ છો. તમને મોક્ષ અપાવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. આવી રીતે શ્રી માતંગદેવને ગેભી અવાજ સાંભળવામાં આવ્યો ત્યારે જે મહેશદેવ પાસે ચોસઠ જોગણી, અગિયાર રૂદ્ર, આઠ ભૈરવ અને ચાર વીરો હતા. તે સર્વે આવીને માતંગદેવના ચરણે પડયા અને માતંગદેવને નમસ્કાર કરી કહેવા લાગ્યા, હે દેવાધી દેવ મહેશદેવ ! અમે તમારા શરણે છીએ. જયારે પણ તમને અમારી જરૂરતનું કાર્ય પડે ત્યારે અમે હાજર થઇ શું અને આજથી અમે તમારી સેવામાં છીએ. ગમે તેવું પણ વિકટનું કાર્ય હશે તે અમે તમારૂં કાર્ય કરશું. ત્યાર પછી માતંગદેવને સોળ કળા રતીનું તેજ પ્રાપ્ત થયું. સંપૂર્ણ સોળ કળાઓથી માતંગદેવ પ્રકાશમાન થયા. ત્રણ લોક : આકાશ, પાતાળ, મૃત્યુલોકના જાણકારી બન્યા. ત્યારે ફરીવાર ગેભી અવાજ સાંભળવા મળ્યો કે હવે તમે સંપૂર્ણ મહેશ અંશ છો. તમને મોક્ષ આપવાનો અધિકાર છે. હવે તમે ઋષીઓ પાસેથી અથર્વ વેદનો ગ્રંથ છે તે ગ્રંથ લઇ મહેશપંથની સ્થાપના કરી. મેઘવાળ સમાજને જ્ઞાનબોધ આપી મહેશ્વરી ધર્મ રચાવો. જે અથર્વવેદનો ગ્રંથ છે તેનો કોઇ ઉકેલ કરી શકયું નહી તેનો તમે ઉકેલ કરીને બારમતિ ધર્મગ્રંથની ઉચ્ચ કોટિની ક્રિયામણ રચો એવો તમને આદેશ છે. આવી રીતે આ ગેભી અવાજ સાંભળી માતંગદેવ ખૂબ જ આનંદમાં આવી ગયા અને અચરેચર લીંગથી વિદાય થવાની તૈયારી કરતા હતા તે વખતે ચીન દેશથી બુધ્ધ ધર્મના બૌધ્ધ ભિક્ષુ અહીં અચરેચર લીંગ ઉપર આવ્યા. આમ અહીં બૌધ્ધ ભિક્ષુઓ માતંગદેવને મળ્યા. માતંગદેવનું તેજસ્વી સ્વરૂપ અને જટાધારી વેશ સાક્ષાત્ મહેશદેવ સમાન જોઇ આ બૌધ્ધ ભિક્ષુઓ માતંગદેવને કહેવા લાગ્યા, હે દેવ ! તમે કોણ છો ? શું તમારૂં નામ છે અને કયા દેશથી અહીં આવ્યા છો ? તે કૃપા કરીને અમને જણાવો. આવું બૌધ્ધ સાધુઓનું બોલવું સાંભળીને માતંગદેવે તેઓને કહ્યું કે હું પટણાથી આવું છું. માતંગદેવ મારૂં નામ છે અને અહીં અચરેચર લીંગ ઉપર તપ કરવાને આવ્યો હતો. હવે તપ પુરૂ કરી પાછો પટણા જઇ રહ્યો છું. તે માતંગદેવ સાક્ષાત્ મહેશરૂપે હતા. તે સર્વે ચીની ભાષામાં તેમને સમજાવ્યું ત્યારે આમ ચીની ભાષામાં બોલતાં માતંગદેવને જોઇને બૌધ્ધ વિચારવા લાગ્યા કે જે આપણી ભાષા જાણે છે તે સર્વેનો જાણકાર હશે જ. આવું વિચારી ચીની બૌધ્ધ ભિક્ષુએ માતંગદેવને કહ્યું કે 'અમે ચીન દેશના રહેવાસી છીએ. બુધ્ધધર્મી છીએ. અમારા ગુરૂદેવે અમને અહીં મોકલ્યા છે અને તેમણે કહ્યું છે કે અચરેસર લીંગ ઉપર તપ કરી રહેલા એક મહાન તેજસ્વી તપસ્વી છે, જેને તમે અહીં તેડી લાવજો. માટે તે તપસ્વી અમને તમે જ લાગો છો. આથી કૃપા કરી આપ અમારી સાથે ચીન દેશમાં ચાલો. અમારા ગુરૂદેવે અમને આગ્રહપૂર્વક કહ્યું છે. માટે તમને જરૂર ચાલવું પડશે. ચીની લોકોનો આવો બહુ આગ્રહ થવાથી માતંગદેવ અચરેસર લીંગ ઉપરથી ચીન દેશમાં તેમની સાથે ગયા.
માતંગદેવનું ચીનમાં આગમન થવાથી ચીની લોકો માતંગદેવનું ખૂબ ખૂબ આદરસત્કાર કરવા લાગ્યા. અને સર્વે બૌધ્ધ સાધુઓ એકઠા થયાં અને માતંગદેવને આગ્રહ કર્યો કે અમારી પાસે બૌધ્ધ ધર્મના ગ્રંથો છે. આથી અમને તેની સમજણ પડતી નથી. તમે ભારત દેશના વતની છો તમે તે ભાષા જાણતા હશો તેની સાથે તમે અમારા દેશની ચીની ભાષા પણ જાણો છો તો કૃપા કરી આ ભાષાનાં શ્લોકો છે તેને ચીની ભાષામાં રૂપાંતર કરી આપો. આવી રીતે ચીની લોકોનો આગ્રહ થવાથી માતંગદેવ થોડા સમય માટે ચીનમાં રોકાયા અને તેમને પાલી ભાષામાં લખાયેલા બૌધ્ધ ગ્રંથોનું ચીની ભાષામાં રૂપાંતર કરી આપ્યું. ત્યારે જ તેમને 'ચીનમ ચીના હરગોર જા ભંધા' કહેવામાં આવે છે. આમ સંપૂર્ણ રીતે માતંગદેવે તેમને પાલીમાંથી ચીની ભાષામાં ગ્રંથો ફેરવી પછી માતંગદેવ ચીન દેશથી વિદાય થઇ પાછા હિન્દુસ્તાન તરફ આસામમાં આવ્યા. તે વખતે આસામ પ્રદેશને ગોળ-બંગાળ કહેવામાં આવતો. ત્યાં માતંગદેવ આવી પહોંચ્ચા અને ત્યાં તે વખતે જાદુ-કલા વિશેષ પ્રમાણમાં હતી. અને ત્યાંની સ્ત્રીઓ એવી જાદુવિદ્યામાં પ્રવિણ હતી કે કોઇ અજાણ્યો માણસ આવે તેને જાદુકલાથી વશ કરી તેને ગુલામ તરીકે તેની પાસેથી કામ કરાવતી આથી તે કામરૂ દેશ તરીકે ઓળખાતાં. અને ત્યાંની જાદુ વિદ્યાને કામરૂ વિદ્યા તરીકે ઓળખવામાં આવતી. તે કામરૂ દેશમાં માતંગદેવ આવ્યા. ત્યારે આ માતંગદેવ પોતાની યુવાન વયમાં હતા. અને એક જટાધારી મહા તેજસ્વી સ્વરૂપવાન આવા પુરૂષને જોઇને ત્યાંની સ્ત્રીઓ માતંગદેવ ઉપર જાદુ-કલા વાપરીને વશ કરવાની કોશિશો કરી. અહીં આમ માતંગદેવને વધારે પ્રમાણમાં હેરાન કરવામાં આવ્યા ત્યારે માતંગદેવ તો અવતારી પુરૂષ હતા. તેમણે તે જ વખતે જાણી લીધું કે અહીંની સ્ત્રીઓ જાદુ વિદ્યા જાણે છે અને તેઓ જોગણીદેવીની સાધના કરી છે. અને તે જોગણીઓ દેવીની સહાયતાથી ઘણા પુરૂષોને ગુલામ બનાવ્યા છે. અને મને પણ પોતાની જાદુઈ વિદ્યાથી વશ કરવા માંગે છે. તે વખતે માતંગદેવે વિચાર કર્યો કે આવી છળ કપટ વાળી સ્ત્રીઓ પાસેથી જાદુ વિદ્યા નષ્ટ પામે તો જ પુરૂષોને સુખ થાય. આથી તે જ વખતે માતંગ કે જે મહેશદેવના અવતાર હતા, તેમણે ચોસઠ જોગણીદેવીનું સ્મરણ કર્યુ તો તરત જ જોગણી દેવીઓ પ્રગટ થઇને કહેવા લાગી કે હે ! દેવ, તમે અમને શા કારણથી તેડાવી ? જોગણીદેવીના આવા વચનો સાંભળી માતંગદેવે કહ્યું હે ! પવિત્ર દેવીઓ, આ દેશમાં જે સ્ત્રીઓ છળ-કપટથી પુરૂષોને વશ કરે છે તેવી સ્ત્રીઓને તમે સહાય થશો નહીં. આમ આ કાર્ય અમને કલંકરૂપી લાગે છે. માટે આજથી જે પવિત્ર સ્ત્રી કે પુરૂષ હોય તેને જ તમે સહાયતા કરશો. આજથી ચોસઠ જોગણી દેવીએ મને સહાયતા થાવો અને જયારે તમારી જરૂર પડે ત્યારે તમે મારી સહાય કરી અને કાર્ય સફળ બનાવશો તેવું વરદાન આપો. અને આજથી જે સ્ત્રીઓ કામણગારી કપટી છે તેમની પાસેથી તમારી શક્તિ પાછી ખેંચી લો તો આવા વશીકરણના બંદીવાન બનેલા અનેક પુરૂષોને બંદીમાંથી મુકત કરાવો. આવું માતંગદેવનું બોલવું સાંભળી ચોસઠ જોગણીદેવીઓ માતંગદેવને વરદાન આપ્યું કે, અમે તમને હર વખતે જયાં સમરસો ત્યાં હાજર થશું અને જે સ્ત્રીઓ પાસે છળ-કપટ ની વિદ્યા છે. તેની પાસેથી અમારી શક્તિ પાછી ખેંચી લઇ જે પુરૂષો જાદુઈ અસરમાં બંદીવાન છે તેને તમે મુક્ત કરીશું. તો તે જ વખતે જોગણી દેવીઓએ જેટલો આ કામરૂ સ્ત્રીઓ પાસેથી જાદુઈ વિદ્યાની શક્તિ પાછી ખેંચી લીધી તો તરત જ જાદુઈ અસરમાં બંદી થયેલા અનેક માણસો મુક્ત થયા. પોતાને ગુલામીમાંથી મુક્તિ અપાવનાર માતંગદેવના પગે પડી તેમના ઉપકારના ગુણગાન ગાતા ગાતા સૌ પોતપોતાના માર્ગે ગયા. આમ કામરૂદેશમાં જે પુરૂષો માથે સંકટ હતું તે માતંગદેવના પ્રતાપથી દૂર થયો. હવે કામરૂદેશથી માતંગદેવ વિદાય થયા અને પોતાના દેશ પટણા તરફ આવવા લાગ્યા. માર્ગમાં અનેક ગામો આવતા અને જે જે ગામમાં થઇ માતંગદેવ પસાર થતા તો માતંગદેવના તેજસ્વી સ્વરૂપ આગળ સૌ કોઇ ઝૂકી પડતા અને માતંગદેવના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડતો. આમ માતંગદેવની કિર્તી અને તેજસ્વીતા આગળ રાજા-મહારાજા પણ તેમને માનભેર આદરસત્કાર કરી રાજ દરબારમાં તેડી જતા. માતંગદેવનું સ્વરૂપ જોઇ સૌ કોઇ એમ જ માનતા કે આપણે ત્યાં સાક્ષાત મહેશદેવ જ પધાર્યા છે. અને માતંગદેવ જયારે જ્ઞાનચર્ચા કરતા ત્યારે હજારોની સંખ્યામાં તેમને સાંભળવા લોકો એકઠા થતા. માતંગદેવ પોતાનું જ્ઞાન રાજા હોય તો રાજનીતિ વિશે સમજાવતા અને પ્રજાજનોને તેમનું કલ્યાણ ક્યા માર્ગે ચાલવાથી થશે તેવું જ્ઞાનમાર્ગનું બોધ આપતા. આવી રીતે અનેક ગામોમાં પ્રબોધ દેતા માતંગદેવ પટણામાં ઘરે આવી પહોંચ્ચા. તે વખતે માતાજી જસદે અને પિતાજી માત્રોરખ ત્યાં બેઠા હતા. ત્યાં માતંગદેવ આવી પોતાના માતા-પિતાને પગે પડીને, હાથ જોડીને ઉભા રહ્યા. આવા જટાધારી મહેશ સ્વરૂપને પોતાના પગે પડેલા જોઇ માતાજી જસદેદેવી તથા પિતાજી માત્રોરખે મનમાં વિચાર કર્યો કે આ તપસ્વી કોણ છે જે અમને પગે પડે છે. આવું વિચારી માત્રોરખ કહેવા લાગ્યા હે ! મહાન તપસ્વી, તમે કોણ છો ? તમારી ઓળખાણ અમને આપો. અમે તમને ઓળખી શકતા નથી. માતા-પિતાના આવા વચનો સાંભળી માતંગદેવે કહ્યું કે મા-બાપ હોય તે પોતાની ઔલાદને કેમ કરીને ઓળખી શકે નહીં ? એવું માતંગદેવનું વચન સાંભળી માતા જસદેદેવીને આંખમાંથી હર્ષનાં આંસુ આવી ગયા. તેમને પોતાના ગયેલા પુત્રની યાદ આવી અને તેમણે માતંગદેવને છાતીસરસો લગાવી આવા મહાન તેજસ્વી જટાધારી સ્વરૂપને જોતાં જ રહી ગયા ત્યારે માત્રોરખ પણ પોતાનાં ગયેલા પુત્રને ઓળખી લીધા અને તે પણ પુત્રને ગલે લગાવી હેમ-ખેમના સમાચાર પૂછવા લાગ્યા. જે ઋષીમુનીઓ હતા તેને ખબર પડી કે માત્રોરખના પુત્ર માતંગદેવ ઘણાં વર્ષો પછી પાછા આવ્યા છે. આવું જાણી ઋષીમુનીઓ પણ આનંદમાં આવી ગયા. અને માતંગદેવ થોડા સમય માટે પોતાના ઘરે માતા-પિતા સાથે રોકાઇ ગયા, અને પોતાના જુદા જુદા અનુભવો અને હસીખુશીની વાતો સંભળાવતાં રહ્યા. તેમજ તેમના ચાલ્યા ગયા પછી માતા-પિતા પર શું ગુજર્યુ તેના કુશળ સમાચારો જાણ્યા. આમ માતંગદેવ પોતાના માતા-પિતા સાથે કેટલોક સમય હસીખુશી સાથે પસાર કર્યો. પછી માતંગદેવને વિચાર થયો કે હવે મારે મેઘવાળ સમાજમાં જવું પડશે, અને મા-બાપ મને રાજીખુશીથી રજા આપશે કે નહીં તેવા વિચારો ને વિચારોમાં ઉદાસ થવા લાગ્યા.
થોડા દિવસ આનંદ ખુશીમાં કાઢયા પછી એક દિવસ માતંગદેવ ફરીવાર માતા-પિતાને કહ્યું, મને રજા આપો તો હું મારી પુરોહિત તરીકેની ફરજ છે તેને પુરી કરૂ અને જજમાનોમાં કાંઇક ધર્મપ્રચાર કરૂં આ વાત સાંભળી માત્રોરખને ઘણો આનંદ થયો અને કહ્યું, બેટા તમે બંને ભાઇઓ સાથે જાવ અને ધર્મપ્રચારનું આપણું જે કાર્ય છે તે પૂર્ણ કરો. એવા મારા આશિષ છે.
હવે માતંગદેવ અને ઠાકરો બંને ભાઇઓ પોતાનું ઘર છોડીને નિકળ્યા તે માટેનું વેદ આ પ્રમાણે છે.
બે ભાઇઓ નગર માંગવા ગયા, નગર માંગી પાછા વરીયા,
કાંધે ખડીયા કપાળે તલક હર લીધો તે વરીપ નો વેસ ॥
આવી રીતે પોતાના ખભે ખડીયા નાખી લલાટે તલક ચડાવી પટણાથી પશ્ચિમ દિશા તરફ ચાલવા લાગ્યા. માર્ગમાં અનેક ગામડાઓ આવ્યા. ત્યાંનાં માણસો બંને ભાઇઓના તેજસ્વી રૂપ જોઇ અંજાઇ ગયા અને તેમને પગે પડી આદરસત્કાર કરવા લાગ્યા. આવી રીતે આ બંને ભાઇઓનું સ્વાગત થતું રહ્યું અને દીન-દુઃખીયાનું દુઃખ આ બંને ભાઇઓ દૂર કરતા રહ્યા. માતંગદેવ તો મહેશદેવના અવતાર હતા. જયારે નાનો ભાઇ ઠાકરો જયોતિષ અને બ્રાહ્મણવિદ્યામાં પ્રવિણ હતો. જે જે માણસો દુઃખી હતા તેમને માતંગદેવ પોતાના આત્મબળથી અને નાનો ભાઇ ઠાકરો પોતાની જયોતિષવિદ્યાથી અનેક પ્રકારના દુઃખો દૂર કરતા ગયા. આવી રીતે ફરતા ફરતા બંને ભાઇઓ ઉજૈન નગરીમાં આવી પહોંચ્ચા, જયાં રાજા વીર વિક્રમ જેવા રાજવીઓ રાજ કરી ગયા. તે ઉજૈન નગરીમાં આવ્યા. તે નગરીની બહાર આવેલી સુફરા નદીમાં આ બંને ભાઇઓએ સ્નાન કર્યુ. પછી ઉજૈન નગરીથી ધારાગઢ આવ્યા. ત્યાં માતંગદેવ આત્મખોજ કરી કે મારો હવે પછીનો અગિયારમો અવતાર અહીં થશે. તે આત્મબળથી માતંગદેવ જાણી ગયા. તે બધી જ જગ્યાઓનું નિરીક્ષણ કરી તપાસી પછી બંને ભાઇઓ ત્યાંથી ચાલ્યા ગયા અને જયાં બીજા કોઇ ગામ આવે ત્યાં વિશ્રામ કરતા અને સારૂં સ્થળ જોઇ ત્યાં રાત વાસો કરી લેતા. તેમની જાણ ગામલોકોમાં થતાં જ નગરજનો તેમના દર્શન માટે ઉમટી પડતા. આમ માણસો આ બંને ભાઇઓની દિવ્ય પ્રતિભાશાળી વિભૂતિ જોઇ મનુષ્યો તેમની પાસે હરેક પ્રકારની ફરીયાદો કરતા. કોઇ દુઃખી હોય, કોઇ રોખી હોય, કોઇ પુત્ર-સંતાનની ખોટ હોય તે સર્વે માણસો આવી અને પોતાના દુઃખો આ બંને ભાઇઓને કહી સંભળાવતા. આમ આ સર્વેના દુઃખો બંને ભાઇઓ દૂર કરતા રહ્યા. અને આ બંને ભાઇઓનો મહિમા વખતો વખત અને દિવસે દિવસે વધતો રહ્યો. અને તેમાં પણ ગરીબ પછાત જાતિના માણસો આવે તો માતંગદેવ સૌથી પહેલા તે દુઃખીયારાઓનું દુઃખ દૂર કરી આપતા. તે ગરીબ સમાજને પાસે બેસાડી તેની સાથે હેતપ્રેતથી વાતો કરવા લાગતા. તે પોતાના નાના ભાઇ ઠાકરાને જરા પણ ગમતું નહીં અને પોતાના મોટા ભાઇને કહેતા કે આ ભાઇ સીંભરીયા લોકો છે, તેમને આપણે અડકી જઇએ તો પાપ લાગે અને તમે તો તેમની સાથે બેસી અને લગોલગથી તેમના દુઃખોની વાતો સાંભળો છો. અને તમે તેમની સાથે વાતો કરવા મંડો છો તે આપણા બ્રાહ્મણકુળને યોગ્ય નથી લાગતું. આવા પોતાના નાના ભાઇના વચનો સાંભળી માતંગદેવ ઠાકરાને બહુ જ વખોડતા અને કહેવા લાગ્યા કે, ભાઇ અલખના ઘર આગળ કોઇ ઉંચ નથી કોઇ નીચ નથી. ઉંચ-નીચ તો આપણે બ્રાહ્મણોએ જ બનાવ્યા છે. આથી હું આવા ભેદભાવમાં માનતો નથી. અલખદેવ સર્વને એકસરખા જ સરજયા છે. આવી રીતે નાના ભાઇ ઠાકરાને વખોડતા ગયા અને બંને ભાઇઓ જયાં જયાં જતા ત્યાં ત્યાં માર્ગમાં સીંભરીયાનો વાસ હોય. તે વખતે સીંભરીયા તેને કહેવામાં આવતા કે જે ગામની બહાર સીમમાં રહેનારા તે 'સીંભરીયા' કહેવાય. હવે તે સીંભરીયાનો વાસ હોય ત્યાં માતંગદેવ ઉભા રહી જતા અને ઉભા રહીને વિચાર કરવા લાગી જતા કે રહેવાને કોઇ સારૂં ઝૂંપડું પણ જોવામાં નથી આવતું. અને રહેણી કરણી પણ બહુ વિચિત્ર જોવામાં આવતી. તે આવી રીતે જીવનાર લોકોને જોઇને માતંગદેવ મનમાં ખૂબજ લાગણીવશ થઇ જતાં. આવી રીતે બંને ભાઇઓ ફરતા ફરતા ગુર્જર ખંડમાં આવી પહોંચ્યા. ગુજરાતની ભૂમિ જોઇ માતંગદેવને તે ધરતી ખૂબ જ ગમી ગઇ. કોઇ ગામ આવે અને ત્યાં ગરીબ જાતિનો વાસ હોય ત્યાં ઉભા રહી માતંગદેવ તેમની પરીસ્થિતી ઉપર વિચાર કરતા. તેઓ ઘણા જ ઉંડા વિચારોમાં ખોવાઇ જતા. તે વખતે આ સીમમાં રહેનારા સીંભરીયા કે જેને હાલમાં મેઘવાળ તરીકે ઓળખવામાં આવે છે, તેમની સ્થિતી એટલી તો ખરાબ હતી અને એટલી હદ સુધી આભડછેટ થતી કે બ્રાહ્મણોના કહેવાથી સવર્ણ લોકો તેમને કોઇ અડકતું નહી. તેમનો કોઇ પડછાયો પણ લેતું નહી. તેમનું મોઢું જોવાને પણ તૈયાર હતું નહીં. આમ સવર્ણોને તેમના ધર્મગુરૂ બ્રાહ્મણોએ એવી રીતે સમજાવીને ઠસાવ્યું હતું કે જો આવા કોઇ મેઘવાળનું મોઢું જોશે, તેને અડકશે અથવા તેનો પડછાયો પણ લેશે તો તે રોમેરોમ નર્કનો અધિકારી થશે. સવર્ણ લોકોને જયારે બ્રાહ્મણોએ આવી રીતે ઠસાવ્યું ત્યારે મેઘવાળ સમાજ હડધૂત થઇ મનુષ્યજાતિથી પણ દૂર ફેંકાઇ ગયો. અને તેમનું જીવન પશુ સમાન બની ગયું હતું. આવી હાલત જોઇ માતંગદેવ મેઘવાળોના વાસની નજદીક આવતા. તેની આવી હાલત જોઇને ત્યાં જ વિચાર કરતા ઉભા રહી જતા. ત્યારે નાનો ભાઇ ઠાકરો માતંગદેવને કહેતો કે ભાઇ, આ તો સીંભરીયાનો વાસ છે. અહીં આપણાથી ઉભાય પણ નહી. ત્યાં ઉભવાથી આપણને પાપ લાગે. ત્યારે માતંગદેવ કહેતા કે ભાઇ તમને ભલે પાપ જેવું લાગતું હોય પણ મને આ લોકોની સ્થિતી જોઇ બહુ જ દુઃખ લાગે છે. આવી રીતે બંને ભાઇઓ હતા છતાં તેમની વિચારસરણી જુદી જુદી હતી. આમ વખત જતાં બંને ભાઇઓમાં થોડો થોડો વાદ-વિવાદ ચાલતો થયો. અંતે આમ કરતાં કરતાં ગોહિલવાડમાં પાલીતાણા પાસે આવેલા ગામ મંઢડે આવી પહોંચ્યા. તે વખતે મંઢડા ગામમાં મેઘવાળોની વસ્તી સારા પ્રમાણમાં હતી. તે ગામની બહાર મેઘવાળો જયાં રહેતા હતા ત્યાંથી થઇ અને એક માર્ગ પસાર થતો હતો. તે માર્ગ ઉપર આ બંને ભાઇઓ શ્રી માતંગદેવ અને ઠાકરો આવી પહોંચ્યા. મેઘવાળોની હાલત જોતાં જ માતંગદેવ ત્યાં જ ઉભા રહ્યા. ઠાકરા ભાઇએ ઘણું ઘણું સમજાવ્યું કે ભાઇ તમે અહીં ઉભા રહ્યા સિવાય ઝટ ઝટ ચાલવા લાગો. જો આપણે અહીં ઉભા હશું તો તેમ તેમ આપણને વધુને વધુ પાપ લાગશે. માટે જલ્દીથી રવાના થાવ. પરંતુ પોતાના નાના ભાઇની વાત ઉપર જરા પણ માતંગદેવે ધ્યાન આપ્યું નહીં. અને ત્યાં જ ઉભા રહ્યા અને વિચારમગ્ન બની ગયા. ઘણીવાર સુધી ત્યાં ઉભા રહેવાથી તેમના ઘરો અને તેમની હાલત જોઇ તો તેમનાં રહેવાનાં ઝૂંપડા પણ તૂટેલ ફૂટેલ હાલતમાં હતાં. તેમનાં બાળકો બહાર રમતા હતાં. તેમનાં શરીર પર પહેરવાને માટે કપડાં પણ નહીં આવી રીતે જોતા રહ્યા. થોડીવાર પછી મેઘવાળોના વાસમાંથી બૈરાંઓ પાણી ભરવા બહાર નીકળ્યાં અને માતંગદેવે તે સ્ત્રીઓને જોયું તો તેઓને પણ કોઇ સારૂં કપડું પહેરેલું ન હતું. આવી ચીંથરેહાલ ઉપર માટીના ઘડા લઇ પાણી ભરવા જતી જોઇને માતંગદેવે તે બૈરાંઓને જોઇને મનમાં વિચાર કર્યો કે, આ લોકો આવી રીતે પોતાની જીદગી કઇ રીતે જીવી રહ્યા હશે. તે વખતે ગામના લોકો ગામના કૂવા કે તળાવમાંથી પાણી પણ ભરવા દેતા નહીં. અને ગામની સીમમાં જયાં પાણીની નદી કે વોકળો હોય અને જયાં માણસોની અવર જવર ઓછી હોય અને ત્યાં કોઇ પાણી ભરવા કે સ્નાન ઈરવા જતું ન હોય અને ત્યાં તે મેઘવાળ સમાજને પાણી ભરવા દેવામાં આવતું. આવી રીતે તે સ્ત્રીઓ પાણી ભરવા ઘરેથી ગામના સીમાડે જતી. તે સ્ત્રીઓની સાથમાં આણંદ સુડીયાની દીકરી લખણઇદેવી પણ સાથે હતાં. જયારે આ ઉભેલા બંને ભાઇઓ તરફ આવવા લાગી ત્યારે ઠાકરા ભાઇએ પોતાના ભાઇને કહ્યું કે, ભાઇ હવે આપણે અહીં ઉભા ન રહેતાં ઝટ ચાલી નીકળીએ. જુઓ સામેથી સીંભરીયાની બૈરીઓ આવે છે. તેનો પડછાયો પણ આપણી ઉપર પડશે તો આપણને પાતંગ લાગશે. ત્યારે માતંગદેવ જરા ક્રોધિત થઇ પોતાના નાના ભાઇને કહ્યું કે, તું જે ધારે છે તે તારી ધારણા ખોટી છે. હું કોઇને પણ અછૂત ગણતો નથી. હું અછૂત તેને ગણું છું જેનું મન મેલું હોય તેને અછૂત ગણું છું. તો મનુષ્યપ્રાણી ઉપર તમે જે ભેદભાવ રાખો છો તે તમારૂં મલીન મન છે. તો હું તારી સાથે સહમત્ત નથી, બાકી જે નિર્દોષ હોય, ગરીબ હોય, જેનું મન મેલું ન હોય તેનાથી હું કદી પણ અભડાતો નથી. આવી રીતે બંને ભાઇઓ વાતો કરતા હતા ત્યારે તે આવતી સ્ત્રીઓ નજીક આવી પહોંચી. નજીક આવી પહોંચતા જ લખણઇદેવીની નજર માતંગદેવ ઉપર પડી. અને માતંગદેવે પણ લખણઇદેવને જોયાં. તે બંનેની નજર એક થવાથી પૂર્વ અવતારની સોજ પડી. લખણઇદેવી ગવરી પાર્વતીના અવતાર હતા, માતંગદેવ મહેશદેવના અવતાર હતા. આમ બંનેની નજર એક થવાથી લખણઇદેવી પાણીનાં ઘડાને નીચે મૂકી દોડ મૂકી માતંગદેવનાં ચરણોમાં પડી ગયાં અને રડવા લાગ્યાં અને કહેવા લાગ્યાં કે, હે કૃપાળુદેવ! આ રાંકડી પ્રજાની હાલત તો જુઓ, જેનો કોઇ પણ બેલી નથી. આ ચાર યુગોથી દુઃખ ભોગવી રહેલી મેઘવાળ સમાજ જેનો તમે કાંઇ પણ ખ્યાલ રાખ્યો નહીં. અને જે પ્રમાણે કરતાયુગમાં વચન આપ્યું હતું કે, કલીયુગમાં મેઘવાળોના ઘરે આવી તેનો ઉદ્ધાર કરીશ અને તારી સાથે લગ્ન કરીશ તે તમારૂં વચન યાદ કરો. હવે તમે આ ગરીબ રાંક પ્રજાને મૂકી બીજે કયાંય જશો નહીં. અને આ ગરીબ સમાજના બેલી થઇ તેમના દુઃખના ભાગીદાર બની દુઃખ દૂર કરો. હે નાથ ! હું તમને કરગરીને કહું છું તે મારી વિનંતી સ્વીકારી તમે મારી સાથે જ ચાલો. લખણઇદેવીની આવી વિનંતી સાંભળી માતંગદેવે કહ્યું, હે દેવી ! હું સર્વ જાણું છું, તે કારણથી હું દેશ-દેશાવર ફરતો હું અહીં સુધી આવી પહોંચ્યો છું. હવે તમે રડવાનું બંધ કરો. હું પટણા પાંચસો ગાઉ ઉપરથી તમને શોધતો શોધતો અહીં સુધી આવી પહોંચ્યો છું. હવે હું તમને વચન આપું છું કે, તમને આ સમાજને મૂકી બીજે કયાંય મારે જવું નથી અને બાવડું પકડી ને લખણઇદેવીને માતંગદેવે ઉભા કર્યા અને કહ્યું કે, હે દેવી ! ઝટ તમારા વાસમાં જાવ અને તમારા વડીલોને કહો કે જેની તમે ચાર યુગોથી વાટ જોતા હતા તે તમારા ઘરે આવી રહ્યા છે. આવી રીતે માતંગદેવનું બોલવું સાંભળી લખણઇદેવી બહુ જ રાજીના રેડ થઇ ગયા અને ઝટઝટ સ્ત્રીઓ સાથે પાણી ભરી પાછા વાસમાં આવ્યા અને પોતાના વડીલોના કહ્યું તેનું વેદ નીચે પ્રમાણે છે :
ઘર લીભો મડ સારવો આંગણ ગાલો પાટ આવંતે દેવ
નારણજી જેજી ચાર યુગ જુવંતા વાટ ॥
આવી રીતે લખણઇદેવી ફળીયામાં આવીને પોતાના વડીલોને કહ્યું કે આપણાં ઘર લીંપીને સાફ કરો. જે ગંદકી છે તેને તમે દૂર કરો. આપણા આંગણામાં પાટ બીછાવો, જેની આપણે ચાર યુગથી વાટ જોતા હતા તેવા નારાયણદેવ આપણા ઘરે આવે છે. માટે ઝટ તૈયારી કરવા લાગો. આજે આપણાં ધન્યભાગ છે. આજના માટે આપણો આનંદનો દિવસ ઉગ્યો છે. આપણા ઘરે માતંગદેવનું આગમન થાય છે. તે અઠોત્રીનો વેદ :
વાટ સોવાટ વધાવલો આયો આજે સાર લેસો ધન ધન દીયણાં
આજ અમારે ઘર વઠે ગોર આયો ॥
આવી રીતે માતંગદેવનું આગમન થવાથી મેઘવાળ સમાજ આનંદ-ઓચ્છવમાં આવી ગયો. ઘર-આંગણાં સાફ કરી માતંગદેવની રાહ જોવા લાગ્યા. હવે માતંગદેવ અને ઠાકરાનો થયેલો વાદ-વિવાદ :
જયારે લખણઇદેવીને માતંગદેવે આશ્વાસન આપીને ઘર તરફ વળાવ્યા ત્યારે માતંગદાવે પોતાના નાના ભાઇને છાતીસરસો લગાવી કહ્યું, હે ભાઇ ! હવે તું તારા ઘરે જા અને ઘેર જઇ આપણા માવિત્રોને માંરા પાયલાગણાં કહેજે. અને મારા તરફથી સંદેશો આપજે કે આપનો પુત્ર માતંગદેવ ગુર્જર ખંડમાં મંઢડા ગામે મેઘવાળ વાસમાં સદાઈને માટે રહેવા ચાલ્યા ગયા છે. હવે તેને સદાયને માટે આશિર્વાદ આપજો અને મારા વતી પગે પડીને કહેજો કે હું તમારો પુત્ર થઇ તમને ઉપયોગી ન થઇ શકયો, માટે મને માફ કરજો. અને મારૂં જે સ્વપ્ન હતું તે પુરૂં થયું. મારા નસીબમાં મેઘવાળ સમાજ મંડાયેલો છે. આજથી તમારો અને મારો માર્ગ જુદો પડે છે. તું સવર્ણ સમાજમાં જઇ ઉપદેશ આપજે અને હું મેઘવાળ સમાજને ઉપદેશ આપીશ. આમ માતંગદેવનું બોલવું સાંભળી ઠાકરો વિચારમાં પડી ગયો.
હવે જયારે માતંગદેવે મેઘવાળ વાસનો માર્ગ લીધો ત્યારે પોતાના ઉદ્ધારકને આવતા જોઇ મેઘવાળો ખૂબ જ ખુશ થવા લાગ્યા. આ દિવસ તેમના માટે આનંદ-ઓચ્છવ સમાન બની ગયો. નર-નારીઓ સૌ કોઇ ઘરમાંથી બહાર નીકળી માતંગદેવનું માનભેર સામૈયું કરી ઘણી જ ધામધૂમથી પોતાના ઘરે તેડી ગયા. પોતાના ઉદ્ધારક માતંગદેવને ઝૂકી ઝૂકી પગે પડવા લાગ્યા. માતંગદેવ પણ આ ગરીબ સમાજના જોઇ લાગણીવશ થઇ સર્વેને બાથમાં લઇ ભેટી પડયા. ત્યારપછી સર્વે સાથે મળીને બેઠા. ધણી માતંગદેવના પગ પખાળી સૌ કોઇ પાવર લીધું અને પોતાને ભાગ્યવાન સમજયા. આવી રીતે મહેશદેવના અવતાર ધણી માતંગદેવ રૂપે ચાર યુગો પછી મેઘવાળ સમાજમાં આવ્યા. તે મહાન પુરૂષને કોઇ ભેદભાવ ન હતો. તે દુઃખી સમાજના દુઃખના ભાગીદાર બન્યા. માતંગદેવના જરા જેટલી પણ મોટાઇ કે નામનાની ખપ ન હતી.
!! શ્રી ધણી માતંગ જીવન ચિત્ર !!
નામ: ડમરુદેવ .કરકીપાત્ર.અનિલદેવ .માતંગદેવ.
પિતાશ્રી : માત્રો રખ
માતાશ્રી :જસદેદેવી
નાનાશ્રી : ગોતમ રખ
જન્મ: વિ.સ. 809
માસ : મહા
તિથી :વદ ત્રીજ
વાર : શનિવાર
નક્ષત્ર :મઘા
ચોગડીયો : અમૃત
કરમ : સેભકરમ
ધમૅપત્ની : શ્રી લખણાઇ દેવી .શ્રી શેખડે દેવી(ક્ષત્રાણી ગોહિલ)
પુત્રો : શ્રી મોણંદ દેવ .શ્રી લુણંગ દેવ.
પુત્રી : શ્રી કપુરદે દેવી .સીતાદે દેવી .પુનદે દેવી .પુનાદે દેવી.
જન્મ સ્થળ : બિહાર પટના
મુખ્ય કમૅ સ્થળ :ગુજરાત. કરછ.સિધ.મારવાડ
ભાટ : શ્રીધર
ઠાઠીઓ :શ્રી ગાભરો વાડો
મૃત્યુ સ્થળ : શેણીથર સિધ
મૃત્યુ તિથી : વિ.સ.959
માસ : વૈશાખ
તિથી : અખાત્રી
વાર : સોમવાર ની સવાર
આયુષ્ય : 160 વષૅ
પંથ : શ્રી બારમતી
શબ્દ : ધમૉચાર
વેદ : અથવૅવેદ
સ્થાપિત તિરથો : ચંન્ધુવો.કારુભો.ત્રૈઇજાર અને શેણીથર
જીવન મુખ્ય કાયૅ : શુદ્ર સમાજ નો ઉદાર.
સિધુપતિ લાખા ધુરારા, અને જૈયાંણી અભડો, ના રાજ ગુરુ
જય ધણીમાતંગ દેવ
Team mitwgc kutch
No comments:
Post a Comment
Your Comments Here...