જ્યાં સુધી હું IAS ન બનું ત્યાં સુધી બહેન પાસે રાખડી બંધાવવા નહિ જાઉં...
અને પછી એક જ પરિવારના ચાર સગા ભાઈ-બહેન IAS/IPS થયા.
હા, ઉત્તરપ્રદેશના પ્રતાપગંજ જિલ્લાના લાલગંજમાં રહેતા અનિલ મિશ્રા ત્યાંની પ્રાદેશિક ગ્રામીણ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. તેમની પત્ની કૃષ્ણા મિશ્રા ગૃહિણી હતી. બે રૂમના મકાનમાં રહેતા આ દંપતીને યોગેશ, લોકેશ, ક્ષમા અને માધવી એમ ચાર સંતાન.
એકબીજાથી એકાદ વર્ષ જ નાના-મોટા આ ચારેય ભાઈ-બહેનોએ નાનપણથી જ ખૂબ સંઘર્ષ વેઠયો. એક જ રૂમમાં રહીને ભણતા આ ચારેય ભાઈ-બહેનોને ઘરમાં કોક દિ' મે'માન આવે તો ભણવાની ખૂબ તકલીફ પડતી. છતાં ચારેય ભાઈ-બહેન ભણ્યા.
મોટો ભાઈ યોગેશ ધોરણ બાર પછી મોતીલાલ નહેરુ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક સંસ્થાનમાં બીટેક કરી નોયડાની એક સૉફ્ટવેર કંપનીમાં નોકરી પર લાગી ગયો.
તેની બન્ને બહેનો UPSC ની તૈયારી કરવા લાગી. દરમિયાન રક્ષાબંધનનો તહેવાર આવતા યોગેશ ઘરે આવ્યો. આ દિવસોમાં જ upsc નું રીઝલ્ટ આવેલું, જેમાં નાપાસ થવાથી બન્ને બહેનો ઉદાસ હતી. બહેનોને ઉદાસ જોઈ ભાઈ યોગેસે નક્કી કર્યું કે આવતા રક્ષાબંધને હું IAS બનું તો જ રાખડી બંધાવવા આવીશ, નહિતર તો નહીં આવું..!
અને યોગેશે પારાવાર પરિશ્રમ કરી પ્રથમ પ્રયત્ને જ 2013માં UPSC ક્લિયર કરી અને તે IAS બની ગયો. ત્યારબાદ તેણે પોતાના ત્રણેય નાના ભાઈ-બહેનોને પણ UPSC ક્લિયર કરવા પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પડ્યા.
લાલગંજમાં રહીને ભણતી નાની બહેન ક્ષમા M.A. થઈ કે તરત તેના લગ્ન બાજુના જ ગામમાં રહેતા સુધીર સાથે 2006માં જ થઇ ગયેલા. ઉત્તરાખંડમાં જિલ્લા પુરવઠા અધિકારી તરીકે નોકરી કરતા સુધીરે ક્ષમાને આગળ ભણવાની છૂટ આપેલી. જેથી ક્ષમા UPSCની તૈયારી કરવા લાગી અને તે પણ 2014માં પાસ થઈ IPS અધિકારી બની ગઈ.
અનિલ શર્માની બીજી દીકરી માધવી લાલગંજમાં જ ઇકોનોમિક વિષયમાં ગ્રેજ્યુએશન પૂરું કરી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અલ્હાબાદ યુનિવર્સિટીમાં ચાલી ગઈ. ત્યાંથી રીચર્ચ માટે તે દિલ્હી JNUમાં ગઇ. ત્યાં રહી તેણે UPSCની તૈયારી કરી અને 2016માં તે પણ IAS બની ગઈ.
સૌથી નાનો દીકરો લોકેશ દિલ્હી યુનિવર્સિટીમાં કેમિકલ એન્જીનીયર થઈ કોટાની ફર્ટિલાઈઝર કંપનીમાં નોકરીમાં લાગી ગયો. મોટા ત્રણેય ભાઈ-બહેનની પ્રેરણાથી તેણે પણ તૈયારી કરી 2016માં UPSC ની પરીક્ષા આપી 44 રેન્ક સાથે તે પણ IAS બની ગયો.
આમ, આ આ એક જ પરિવારના ચાર સગા ભાઈ-બહેનોએ ત્રણ વર્ષના ગાળામાં જ IAS/IPS થઈ આખા ભારતમાં એક નવો રેકોર્ડ બનાવ્યો.
No comments:
Post a Comment
Your Comments Here...