ચૌદ વરસની ચારણ કન્યા...! - My Blog

Breaking

Ads by Google Adsense

October 25, 2018

ચૌદ વરસની ચારણ કન્યા...!


શુ નકામુ?
વજન વગર ની વાત નકામી
ભજન વગર ની રાત નકામી
સંગઠન વગર ની નાત નકામી
માનવતા વગર ની જાત નકામી
કહ્યું ન માને એ નાર નકામી
બેસી જાય તેવી ઘોડી નકામી
બ્રેક વગર ની કાર નકામી
પૂંજી સાવ અધૂરી નકામી
સમજણ સાવ થોડી નકામી
ભણતર વગર નું જીવન નકામું
સ્વાદ વગર નું જમણ નકામું
સુગંધ વગર નું ફુલ નકામું
સુધારે નહીં તેવો માર નકામો
બોલ્યો ફરે એ બંદો નકામો
કઈ ઉપાડે નહીં તે કાંધો નકામો
છોલે નહીં તે રનધો નકામો
નફા વગર નો ધંધો નકામો
ખરાબ સમયમાં જે સાથ ન આપે
તે મિત્ર નકામો.
#####################
સાવજ ગરજે!
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે!
ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે!
વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડતણાં પાંદડલાં કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે
આંખ ઝબૂકે!
કેવી એની આંખ ઝબૂકે!
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે
જડબાં ફાડે!
ડુંગર જાણે ડાચા ફાડે!
જોગી જાણે ગુફા ઉઘાડે!
જમરાજાનું દ્વાર ઉઘાડે!
પૃથ્વીનું પાતાળ ઉઘાડે!
બરછી સરખા દાંત બતાવે
લસ! લસ! કરતી જીભ ઝુલાવે
બહાદર ઊઠે!
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘરઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઇ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે
ઊભો રે’જે!
ત્રાડ પડી કે ઊભો રે’જે!
ગીરના કુત્તા ઊભો રે’જે!
કાયર દુત્તા ઊભો રે’જે!
પેટભરા! તું ઊભો રે’જે!
ભૂખમરા! તું ઊભો રે’જે!
ચોર-લૂંટારા ઊભો રે’જે!
ગા-ગોઝારા ઊભો રે’જે!
ચારણ કન્યા!
ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડિયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હીંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘુમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદંબા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા
ભયથી ભાગ્યો!
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મુછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો!
-ઝવેરચંદ મેઘાણી
#####################
ગુજરાત
ભારતની  ભોમમાં  ઝાઝેરી ગુજરાત
ગુજરાત     મોરી      મોરી      રે
મળતાં મળી  ગઈ  મોંઘેરી  ગુજરાત
ગુજરાત     મોરી      મોરી      રે
સાબરનાં  મર્દાની  સોણલાં સુણાવતી
રેવાનાં  અમૃતની   મર્મર  ધવરાવતી
સમંદરનાં  મોતીની  છોળે નવરાવતી
ગુજરાત     મોરી      મોરી      રે
ગિરનારી  ટૂંકો  ને  ગઢ  રે ઈડરિયા
પાવાને   ટોડલે   મા’કાળી     મૈયા
ડગલે  ને  ડુંગરે  ભર   દેતી   હૈયાં
ગુજરાત     મોરી      મોરી      રે
આંખની  અમીમીટ   ઊમટે  ચરોતરે
ચોરવાડ વાડીએ  છાતી  શી  ઊભરે
હૈયાનાં  હીર  પાઈ  હેતભરી  નીતરે
ગુજરાત     મોરી      મોરી      રે
કોયલ  ને  મોરને   મેઘમીઠે  બોલડે
નમણી પનિહારીને  ભીને   અંબોડલે
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે
ગુજરાત     મોરી      મોરી      રે
નર્મદની ગુજરાત  દોહ્યલી  રે જીવવી
ગાંધીની   ગુજરાત  કપરી  જીરવવી
એકવાર ગાઈ  કે  કેમ  કરી  ભૂલવી
ગુજરાત     મોરી      મોરી      રે
ભારતની  ભોમમાં  ઝાઝેરી ગુજરાત
ગુજરાત     મોરી      મોરી      રે
મળતાં મળી  ગઈ  મોંઘેરી  ગુજરાત
ગુજરાત     મોરી      મોરી      રે
#####################

No comments:

Post a Comment

Your Comments Here...