સંત કબીર
કાશીમાં `કબીર ચોરા` તરીકે ઓળખાતો એક મહોલ્લો છે. ત્યાં `નીરુતલ્લા` નામે એક જગા પણ છે. આજથી લગભગ સાડી પાંચસો વર્ષ પહેલાં અહીં નીરુ નામે એક મુસલમાન વણકર રહેતો હતો. એક વાર નીરુ એની પત્ની નીમાને લઈને બહારગામથી ઘેર આવતો હતો, ત્યાં એને કાશી નજીક લહરતારામાં, ફૂલના ઢગલામાં, ફૂલમાંથી પ્રગટ થયું હોય એવું એક તરતનું જન્મેલું બાળક મળ્યું. પતિપત્ની એ બાળકને પોતાને ઘેર લઈ ગયાં. તેમણે એનું નામ પાડયું કબીર.
કબીરનો જન્મ ક્યારે થયો એ કહેવું મુશ્કેલ છે, પણ વિક્રમ સંવત 1455ના જેઠ માસની પૂનમે સોમવારે વટ સાવિત્રીના દિવસે એમને જન્મ થયાનું કહેવાય છે. એ દિવસે આજે પણ કબીર સાહેબના જન્મ દિવસ તરીકે ઊજવાય છે.
કબીર મુસલમાન વણકરના પુત્ર તરીકે મોટા થયા ને વણકરનો ધંધો કરવા લાવ્યા. પરંતુ બાળપણથી જ તેમનું મન પ્રભુ ભક્તિ તરફ વળેલું હતું. તેથી તેઆએ હંમેશા સાધુસંતોની શોધમાં રહેતા. તેઓ હિંદુ સાધુસંતોને મળતા અને મુસલમાન ફકીરોને પણ મળતા. એ બધા પરથી એમને એક વાત સમજાઈ કે એક માત્ર ઈશ્વર સત્ય છે, ઈશ્વરની સૃષ્ટિમાં કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. નાતજાત ધર્મ અને સંપ્રદાયના ભેદ બધા ખોટા છે.
તે વખતે ભારતમાં સ્વામી રામાનંદ નામે એક મહાન સંતપુરુષ હતા. કબીરે રામાનંદને પોતાને ગુરુ કરવાનો નિýાય કર્યો. પરંતુ સ્વામી રામાનંદ વૈષ્ણવ સાધુ હતા. તેથી કબીરને બીક લાગી કે તેઓ મારા જેવા મુસલમાન વણકરને શિષ્ય બનાવે કે નયે બનાવે! એટલે એમણે એક યુક્તિ કરી.
સ્વામી રામાનંદ રોજ વહેલા પરોઢિયે, અંધારે અંધારે, ગંગાજીના ઘાટ પર સ્નાન કરવા જતા. એક દિવસ રામાનંદજી ઘાટ પર પહોંચે તે પહેલાં કબીર વહેલા જઈને તેમના જવા આવવાના માર્ગમાં ઘાટનાં પગથિયાં પર કોકડું વળીને સૂઈ ગયા. થોડીવારમાં ભગવાનનું નામ લેતા લેતા સ્વામી રામાનંદ ત્યાં પધાર્યા ને ધીરે ધીરે પગથિયાં ઉતરવા લાગ્યા. અચાનક તેમનો પગ એક પગથિયામાં કોકડું વાળીને સૂતેલા કબીરની ઉપર પડયો. સ્વામીએ ચમકીને નીચે જોયું, ત્યાં તો કબીરે બેઠા થઈ જઈ તેમના પગમાં માથું મૂક્યું. સ્વામીએ તેના મસ્તક પર હાથ મૂકી કહ્યું` બેટા, રામ રામ કર!`
`ઘણી દયા કરી, ગુરુદેવ!` એમ કહી સ્વામીને પગે લાગી કબીર ચાલી ગયા.
હવે કબીર પોતાને સ્વામી રામાનંદના શિષ્ય તરીકે ઓળખાવવા લાગ્યા. વાત ફરતી ફરતી રામાનંદના કાને આવી. તેમને નવાઈ લાગી. તેમણે કબીરને પોતાના મઠમાં બોલાવી પૂછયું`મેં વળી તને ક્યારે શિષ્ય કર્યો ને ક્યારે મંત્ર આપ્યો?`
કબીરે કહ્યું`
`જબ હમ પોઢે થે ગંગા કે તીરા,
ઠોકર લાગી હમારે શરીરા,
તબ તુમ રામમંત્ર હમ દિન્હા!
`ખરી વાત! ખરી વાત!` કહી રામાનંદે કબીરને પોતાના શિષ્ય તરીકે સ્વીકારી લીધા. આવો લાત ખાઈને મંત્ર લેનારો શિષ્ય મળવો કંઈ સહેલો નથી.
સ્વામી રામાનંદ વૈષ્ણવ સાધુ હતા. અસલ તેઓ રામાનુજ સંપ્રદાયના વૈષ્ણવ હતા. વૈષ્ણવ સંપ્રદાયમાં સૌ વૈષ્ણવોને સરખા માનવાની વાત પહેલેથી જ છે, પણ તેનું જોઈએ તેવું પાલન થતું નહોતું. રામાનંદે એમાં સુધારો કર્યો. તેઓ પોતે બ્રાહ્મણ હતા, પણ નાતજાતના કે ઊંચનીચના ભેદભાવ વગર સૌને વૈષ્ણવ ધર્મની દીક્ષા આપતા હતા અને સૌની સાથે ભોજન લેતા હતા. તેમના પ્રખ્યાત શિષ્યોમાં કબીરજી વણકર છે, પીપા રાજપૂત છે, સેના નાયી છે, ધન્નો જાટ ખેડૂત છે, રૈદાસ મોચી છે અને સદનો કસાઈ છે. રામાનંદે રચેલું એક ભજન શીખોના `ગ્રંથ સાહેબ` માં મળી આવે છે. તેમાં તેઓ કહે છે `ધૂપચંદન લઈને હું બ્રહ્મની પૂજા કરવા જતો હતો, પણ મારા ગુરુએ બતાવ્યું કે બ્રહ્મ તો તારી અંદર જ છે!`રામાનંદના આ ઉપદેશને કબીરજીએ ખૂબ વિસ્તાર્યો.
કબીરજી કપાળમાં તિલક કરતાં, ગળામાં માળા નાખતા અને રામ નામનો કે નારાયણ! નારાયણ! નો જપ કરતાં. મુસલમાન વણકરનો છોકરો આવો બ્રાહ્મણનો વેશ લઈને ફરે તે બ્રાહ્મણોને ગમતું નહિ, તેથી તેઓ તેમના પર ગુસ્સે થતા. તેઓ કહે ` અલ્યા કબીર, નારાયણનું અને ગોવિંદનું નામ લેવાનો તને શો અધિકાર છે?`
કબીર કહે` એ મારો ધર્મ છે. મારી જીભે વિષ્ણુ છે, નયનોમાં નારાયણ છે અને હ્રદયમાં ગોવિંદ છે. હું ગયા જનમમાં બ્રાહ્મણ હતો, પણ જપતપ કર્યા નહિ, રામની ભક્તિ ચૂક્યો, એટલે પકડીને મને વણકર કર્યો!` બોલતાં બોલતાં એમની દૃષ્ટિ સમક્ષ કૃષ્ણનું સ્વરૂપ ખડું થઈ ગયું. એટલે કૃષ્ણને સંબોધીને એ બોલ્યાઃ`અમે ગોરુ ને તું અમારો ગોવાળ! તું જનમજનમનો અમારો રખેવાળ! તારે તો અમને પાર ઉતારીને નિઃસીમ ચરિયાણ દેખાડવાં જોઈએ, લાલા!`
બ્રાહ્મણો કહે` અલ્યા, આ તો સાવ બગડી બેઠો!`
કબીરજી કહે` હા, આ કબીરો બગડી ગયો છે, હવે એને રામ બચાવે! પણ ભઈલા, તું બગડતો નહિ હોં! આ રામનું નામ બધાને બગાડવા માટે જ છે. ચંદનની પાસે જે ]ાડ ઊગે તે બગડી બગડીને ચંદન થઈ જાય, પારસમણિને લોઢું અડે તો લોઢું બગડીને સોનું થઈ જાય, અને ગંગામાં જે પાણી ભળે તે બગડી બગડીને ગંગાજળ થઈ જાય, તેમ જે રામનું નામ લે છે તે બગડી બગડીને રામ થઈ જાય છે. આ કબીર એમ બગડી ગયો છે. હવે એને રામ બચાવે! મારું તો ઠીક, પણ અલ્યા પંડિત, તું કંઈ કુમતિમાં ફસાયો છે? અભગિયા, રામનું નામ નહિ જપે તો તું આખા પરિવાર સાથે ડૂબશે!`
બ્રાહ્મણે કહ્યું` છટ્, મારી વેદપુરાણની પઢાઈ કંઈ જેવી તેવી વાત છે! એ મને તારશે!`
કબીરે કહ્યું` વેદ પુરાણની તારી પઢાઈનાં હું શા વખાણ કરું? ગધેડાની પીઠે જાણે અસલ ચંદનનો ભારો! અલ્યા પંડિત, તું વેદના ભરોસે ડૂબે છે! તું શેકેલા બી જેવો છે. શેકેલું બી નહિ ઊગે!`
હિંદુઓમાં જેમ બ્રાહ્મણો, તેમ મુસલમાનોમાં કા]ાળઓ. કા]ાળઓ કહે` કબીર, મુસલમાન થઈને તું રામનું નામ લે છે, માટે તું મુસલમાન નથી, કાફર છે!`
કબીરે કહ્યું`કાફર કોને કહેવાય તેની જ તમને ખબર નથી! ગલા કાટ બિસ્મિલ કરે, વોહ કાફર બેબૂ]! પછી એક વધારે ચાબકો માર્યો
દિન કો રોજા રહત હૌ, રાતિ કટત હૌ ગાય,
યહ ખૂન, વહ બંદગીસ ક્યોં કર ખુશી ખુદાય?
છેવટે દા]ે બળેલા કા]ાળઓએ દિલ્હીના બાદશાહ સિકંદર લોદીને ફરિયાદ કરી કે કબીર મુસલમાન ધર્મને હલકો પાડે છે, માટે તેને સખત સજા કરવી જોઈએ.
આ સાંભળી બાદશાહ ગુસ્સે થયો. તેણે કબીરને બોલાવી ધમકાવ્યાઃ` શું હિંદુ અને મુસલમાનમાં કંઈ ભેદ નથી?`
કબીરે કહ્યું` નથી જ. જેવો હિંદુ માણસ છે, તેવો મુસલમાન પણ માણસ છે. બંનેને એક ઈશ્વર પેદા કરેલા છે. ભેદ તો માણસે ઊભો કર્યો છે. કબીર તો અલ્લા અને રામનું બાળક છે. રામ ગુરુ છે, રામ પીર છે.
બાદશાહ વિચારમાં પડી ગયો. પણ કા]ાળઓએ એને ઉશ્કેર્યો એટલે એણે કબીરને હાથીના પગ તળે કચડી મારવાનો હુકમ કર્યો. ગાંડો હાથી કબીરને મારી નાખવા ધસ્યો, કબીરને કચડી નાખવા એણે આગલો પગ ઊંચો કર્યો, પણ આ શું? હાથી આગલો પગ વાળી કબીરની સામે ધૂંટણિયે પડયો ને સૂંઢ ઊંચી કરી તેણે કબીરને સલામ કરી! કબીરે કહ્યું` રામનો જય હો!
એકવાર કેટલાક માણસો કબીરની કીર્તિ સાંભળી એમનાં દર્શન કરવા અને એમને ગુરુ કરવા લાંબી મજલ કાપી કાશી આવ્યા. રસ્તામાં કબી સાહેબ જ એમને સામે મળ્યા, પણ એમણે કબીરને ઓળખ્યા નહિ. કબીરનું માથું મૂંડાવેલું હતું, ડિલ ઉધાડું હતું અને ગંગા સ્નાન કરવા જતા હતા. આગંતુકોને થયું કે ગામમાં પેસતાં જ આ મૂંડિયો આપણને સામો મળ્યો તે અપશૂકન થયા! માટે એ અપશૂકન કાઢવા માટે એના માથા પર એકેક ખાસડું ફટકારો! તેમણે કબીરને માથા પર એકેક ખાસડું માર્યું. કબીર કંઈ બોલ્યા નહિ. પછી તેઓ કબીરજીને ઘેર ગયા. તેમના મનથી કે મોટો મઠ હશે, કેટલા નોકરચાકર હશે ને હાથી ઘોડા પાલખી હશે! પણ અહીં તો ]ાંપડું હતું! સાયબીનું નામનિશાન નહોતું. તેઓ નિરાશ થઈ ગયા. તોય કબીરની રાહ જોતા તેઓ બેઠા. છેવટે નદીએથી નાહીને ભજન ગાતા ગાતા કબીરજી ઘેર આવ્યા ત્યારે એમને ખબર પડી કે આ તો પેલો અપશુકનિયો! કબીરજીના પગમાં પડી તેમણે એમની માફી માંગી!
એકવાર એક સાધુને થયું કે કબીરને આજીવિકા માટે શાળ પર કામ કરવું પડે છે તેથી તેઓ પ્રભુભજનમાં પૂરો સમય આપી શકતા નથી, માટે જીવનનિર્વાહ માટે એમને મહેનત ન કરવી પડે એવું હું કરી દઉં! એણે કબીરને કહ્યું` તમારા ઘરમાં કંઈ તાંબાનું વાસણ હોય તો મને આપો! કબીરે કહ્યું` મારા ઘરમાં તો બધાં માટીનાંજ બરતન છે!` સાધુ ક્યાંકથી તાંબુ લઈ આવ્યો, પછી તાંબાને ભઠ્ઠીમાં પકવી એણે એનું સોનું બનાવી દીધું ને કબીરને કહ્યું`લો, આ સોનું! હવે તમારે જીવનનિર્વાહ માટે મહેનત કરવી નહિ પડે!` આ સાંભળી કબીર હસ્યા. તેમણે કહ્યું` મારે મન તો પ્રભુચરણનું શરણ અને શ્રમ એ જ મોટો કીમિયો છે.` બોલતાં બોલતાં તેમણે માટીના બરતનને હાથ અડકાડયો તો માટીનું બરતન સોનાનું થઈ ગયું! સાધુ બધું સોનું ગંગાજીમાં ફેંકી આવી કબીરનો ચેલો બની રહ્યો.
કબીરનો ઉપદેશ સાંભળવા હિંદુઓ પણ જતા અને મુસલમાનો પણ જતા. હિંદુઓમાં બ્રાહ્મણો પણ ખરા અને હરિજનો પણ ખરા. કબીર કોઈ જાતિ ભેદ કે વર્ણભેદમાં માનતા નહોતા. તેઆએ તો કહેતા કે ચારે વર્ણમાં જે હરિનું ભજન કરે તે ઊંચો! -પછી તે બ્રાહ્મણ હોય કે ભંગી હોય! ચારોં વર્ણમેં હરિજન ઊંચો! હરિ કો ભજે સૌ હરિકો કોઈ, જાત પાત પૂછે નાહી કોઈ!
કબીરનાં ભજનો હ્રદય સોંસરા ઊતરી જાય એવાં અસરકારક હતાં. કબીરનાં દૂહાઓ પણ એવા જ સચોટ હતા. કાશીમાં ઘેર ઘેર આ ભજનો અને દૂહા ગવાતા હતા. કબીરે બ્રાહ્મણ-ભંગીના અને હિંદુ-મુસલમાનના ભેદ તોડી નાખ્યા અને ભાતૃભાવનો ફેલાવો કર્યો.
કબીરજી કપડાં વણતાં વણતાં આ ભજના લલકારતાઃ
અલ્લાહ, રામ, કરીમા, કેશવ, હરિ હજરત નામ ધરાયા!
ગહના એક, કનક તે ગહના, ઈનમેં ભાવ ન દૂજા,
કહન સુનનકો દૂઈ કર થાપે, એક નિમાજ, એક પૂજા!
વહી મહાદેવ, વહી મુહમ્મદ, બ્રહ્મા, આદમ કહિયે,
કો હિંદુ, કો તુરક કહાવે, એક જમીન પર રહિયે!
વેદ કિતાબ પઢે વે કુતબા, વે મૌલવી, વે પાંડે,
બેગર બેગર કે નામ ઘરાયે એક મટિયા કે ભાંડે!
(અલ્લાહ કહો કે રામ કહો, કરીમ કહો કે કેશવ કહો, હરિ કહો કે હજરત કહો, બધાં એક ઈશ્વરનાં નામ છે-જેમ એક જ સોનાનાં જુદાં જુદાં આભૂષણો બને છે તેમ. મહાદેવ કહો કે મહંમદ કહો, બ્રહ્મા કહો કે આદમ કહો, હિંદુ કહો કે મુસલમાન કહો, બધા એક જમીન પર રહે છે. કોઈ વેદ પઢે ને કોઈ કુરાન પઢે, કોઈ મૌલવી કહેવાય ને કોઈ પંડિત કહેવાય-નામ જુદાં જુદાં છે, પણ બધાં એક જ માટીનાં વાસણ છે.`)
કબીરના થોડા દૂહા જોઈએ
હરિ સે તો હરિજન બડે, જાને સંત સુજાન,
સેતુ બાંધી રઘુવર ચલે, કૂદ ગયે હનુમાન!
(હરિના કરતાં હરિનો ભક્ત મોટો છે. સાગર ઓળંગવા માટે રામને પુલ બાંધવો પડયો, પણ રામભક્ત હનુમાન છલંગ મારી સાગરને તરી ગયા!)
કહહિં કબીર પોકારિકે, દો બાતોં લિખ લે,
કર સાહબરી બંદગી, ભૂખેકો કૂછ દે!
(કબીર પોકારીને કહે છે` ભાઈ, આટલી બે વાતો હૈયાબિચ લખી રાખ-ભગવાનનું ભજન કર અને ભૂખ્યાનું પેટ ભર!)
માલાતિલક બનાય કે, ધર્મ વિચારા નાહિં,
માલા બિચારી ક્યા કરે, મૈલ રહા મનમાંહિ!
(તેં માળા પહેરી, ટીલાં ટપકાં કર્યા, પણ ધર્મ કોને કહેવાય તેનો તેં વિચાર કર્યો નહિ. તારા મનમાં મેલ રહ્યો, પછી માળા બાપડી શું કરે?)
પથ્થર પૂજે હરિ મિલે, તો મેં પૂજું સબ પહાડ,
ઈસસે તો ચIાળ ભલી, પીસ ખાવૈં સંસાર!
(પથ્થરને પૂજવાથી ભગવાન મળતા હોય તો હું બધા પહાડોની પૂજા કરું. અરે ભલા આદમી, પથ્થર કરતાં તો આ મારી ચIાળ સારી કે આખી દુનિયા એના પર લોટ પીસી ખાય છે.)
કબીરજી નિર્ગુણ નિરાકારના ભક્ત હતા. ધર્મદાસ નામનો એક શ્રીમંત વણિક ઘરડે ઘડપણ તીર્થયાત્રા કરવા નીકળ્યો હતો. એની પાસે ઠાકોરજીની મૂર્તિ હતી. એકવાર યમુનાના કિનારે એ બેઠો હતો અને મૂર્તિને નવડાવતો હતો. તેવામાં કબીરજી ત્યાં આવી ચડયા. તેમણે પૂછયું `શેઠજી બાળકની પેઠે આ રમકડાની સાથે શું રમી રહ્યા છો?`
શેઠે કહ્યું` હું તો મારા પ્રભુને રમાડું છું.`
કબીરે કહ્યું` અરે ભગત, જરા વિચાર તો કરો કે તમે પ્રભુને રમાડો છો કે પ્રભુ આપણને બધાંને રમાડે છે! પ્રભુ રમકડું છે કે આપણે બધાં પ્રભુના રમકડાં છીએ?`
ધર્મદાસને હવે પ્રભુના નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું જ્ઞાન થયું. પોતાની અઢળક મિલકત દાનપુણ્યમાં લૂંટાવી દઈ એ કબીરનો શિષ્ય થયો.
ગોરખપુર શહેરની પાસે મગહર કરીને એક નાનું ગામ છે. લોકોમાં એવી માન્યતા ચાલતી હતી કે કાશીમાં મરે તો માણસ દેવ થાય અને મગહરમાં મરે તો ગધેડો થાય કબીર તો આખી જિંદગી વહેમોની સામે લડયા હતા, આ વહેમની પણ સામે લડવાનું તેમણે નIાળ કર્યું. પોતાનો અંતકાળ પાસે આવ્યો ત્યારે તેમણે મગહરમાં જઈને મરવાનું જાહેર કર્યું.
ભક્તો કહે` ના, આપ આટલાં વરસ કાશીમાં જ રહ્યા છો, તો કાશીમાં જ દેહ પાડો! મરવા માટે કાશી જેવું તીર્થ ક્યાં છે?`
કબીરે કહ્યું` અરે ભાઈ, જેના હ્રદયમાં રામ છે, તેને કાશી શું ને મગહર શું? કાશીમાં મરવાથી જ જો મોક્ષ થતો હોય, તો પછી રામનું નામ લેવાની યે શી જરૂર? આવું માનવાથી તો પ્રભુનું નામ હલકું પડે છે!`
છેવટે કબીર મગહર જઈ રહ્યા. તે વખતે દેશમાં દુકાળ હતો. મનુષ્યો અને પશુ-પંખીઓ પાણી વિના તરફડતાં હતાં. કબીરથી એ દુખ જોયું ગયું નહિ. કહે છે કે એમણે જમીન પર એક લીટો તાણ્યો, તો તેમાંથી જળની ધારા નદી બનીને વહેવા માંડી. આંબા હેઠળથી આ નદી નીકળી હતી તેથી તેને આમી નદી કહે છે. આજે પણ મગહરની પાસે તે વહે છે.
કબીરે છેલ્લા દિવસ સુધી ભક્તોને ઉપદેશ કર્યો. પછી સં.1575ના માગશર સુદ એકાદશીની સવારે સૌને વંદન કરી ઘરમાં જઈ તેઓ ચાદર ઓઢીને સૂઈ ગયા ને દેહ છોડી દીધો. ઈ.સ.1518. એ વખતે એમની ઉંમર 120 વર્ષની હતી. કેટલાક કબીર સાહેબે પચાસ વર્ષની વયે સં.1505માં દેહ છોડયાનું કહે છે.
કબીરના હિંદöમુસલમાન ભક્તોમાં હવે મતભેદ પડયો. હિંદુઓ કહે કે શબને બાળવું જોઈએ અને મુસલમાનો કહે કે દાટવું જોઈએ. કહે છે કે પોતાના શિષ્યોને આવી રીતે લડી મરતા જોઈ કબીરે પોતે પ્રગટ થઈને કહ્યું`હે ભાન ભૂલેલા લોકો, તમે શા કાજે આમ લડી મરો છો? જરી ચાદર ઉપાડીને જુઓ તો ખરા!
આ સાંભળી બધા ઘરમાં દોડયા. કબીરજીના શબ પરથી ચાદર ઉપાડીને જુએ તો માત્ર ફૂલોનો ઢગલો! કબીરજી નિરંજન નિરાકારમાં ભળી ગયા હતા! હવે બધાને એમનું ખરું સ્વરૂપ વરતાણું.
પછી હિંદુઓએ અને મુસલમાનોએ અડધાં અડધાં ફૂલ વહેંચી લીધાં. હિંદુઓએ ફૂલોનો કાશીમાં અગ્નિ સંસ્કાર કર્યો અને મુસલમાનોએ મગહરમાં ફૂલોને દાટી તેના પર રોજો બંધાવ્યો.
આમ, જે ફૂલમાં પ્રગટ થયા હતા, તે ફૂલમાં જ પાછા અંતર્ધાન થઈ ગયા.
કબીર-વાણી
1. મારી પાસે તો આ હરિના નામનું ધન છે. નથી હું એને ગાંઠે બાંધી રાખતો કે નથી એ વેચીને હું પેટ ભરતો. નામ જ મારી ખેતી છે ને નામ જ મારી વાડી છે!
2. શાકભાજીના બજારમાં હીરો ન દેખાડાય! રામ રૂપી હીરાનું ત્યાં ઘરાક કોણ?
3. જે નથી જન્મતો, નથી મરતો કે નથી સંકટમાં સપડાતો, જે નિરંજન નિરાકાર છે, જેને નથી મા કે નથી બાપ, તે મારો સ્વામી છે.
4. છાપાં, ટીલાં, મુદ્રા વગેરે કરવાથી શું? વિભૂતિ ચોળવાથી શું? જેનું ઈમાન (ચારિત્ર) સાચું છે તે જ હિંદુ છે, તે જ મુસલમાન છે.
5. કેશે તારું શું બગાડયું છે કે તું મૂંડાવ કરે છે? વિકાર બધા મનમાં ભર્યા છે, તે મનને જ ભૂંડી નાખને!
6. મરતાં મરતાં જગત મરી ગયું, પણ મરતાં કોઈને આવડયું નહિ! ફરી ફરી મરવું ન પડે એવું જ મર્યો તે જ ખરું મર્યો!
7. હે અલ્લાહ! હે રામ! હું તારા નામ પર જીવું છું. બ્રાહ્મણ ચોવીસે એકાદશીઓ કરે છે, અને મુલ્લાં રમજાનના રોજા કરે છે. તો શું બાકીના અગિયાર મહિના ખાલી અને એકમાં જ બધું આવી ગયું? જો ખુદા મસીદમાં જ રહે છે, તો બાકીનો મુલક કોનો છે? પૂર્વ દિશામાં હરિનો નિવાસ છે ને પýિામમાં અલ્લાહનો મુકામ છે તો બીજે શું છે? માટે, ભાઈ, દિલમાં જ શોધો, દિલમાં રહીમ છે, દિલમાં જ રામ છે.
8. પોતાની નાભિમાં કસ્તુરી છે, પણ મૃગ એને વનમાં શોધે છે.
9. હું આંખો બંધ કરું કે તું અંદર આવી જા! બસ, પછી હું બીજા કોઈને જોઉં નહિ અને તને પણ બીજા કોઈને જોવા ન દઉં!
10. દો]ખનો મને ડર નથી, તારા વિના મારે સ્વર્ગ પણ ન જોઈએ.
11. બજાવનારો ચાલી ગયો, પછી વાજું બિચારું શું કરે? વાસણનો ઘડનાર ગયો, પછી વાસણનાં ઠીકરાં જ રહ્યાં કે બીજું કંઈ?
12. મનુષ્ય જન્મ ફરી ફરી નથી મળતો. જે ફળ પાકીને ગરી પડયું તે પાછું ડાળ પર લાગતું નથી.
13. ખુમારી ઊતરે જ નહિ ત્યારે જાણવું કે હરિરસ પીધો!
14. પ્રેમ નથી ]ાડ પર ઊગતો કે બજારમાં વેચાતો. એ તો માથા સાટે લેવાનો હોય છે.
15. જેમ કાપડ (જિંદગી) વણાતું જાય છે તેમ એનો બીજો છેડો (મૃત્યુ) નજીક આવતો જાય છે.
16. ગુરુ બિન કૌન બતાવે બાટ? બડા વિકટ યમ ધાટ!
17. ઘૂંઘટકા પટ ખોલ રે, તોકો રામ મિલેંગે!
18. જો સુખ પાયો રામ ભજન મેં સો સુખ નાહિ અમીરી મેં!
19. ભજો રે ભૈયા રામ ગોવિંદ હરિ!
20. સબ ધરતી કાગઝ કરું, કલમ કરું વનરાય.સબ સમુદ્ર શાહી કરું, હરિગુણ લીખ્યો ન જાય.
No comments:
Post a Comment
Your Comments Here...