સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાનું ધોળા નામનું એક પ્રખ્યાત ગામ છે. આ ધોળા ગામમાં કાકડીયા હરિભાઈ અને તેમના પત્ની લાડુબાઈ રહેતા હતા. તેઓ ખેતીનું કામ કરતાં અને ભગવાનનું નિષ્ઠાપૂર્વક ભજન કરતા.
વિક્રમ સંવત ૧૭૯૫માં લાડુબાના ખોળે એક દીકરાનો જન્મ થયો. તેનું નામ ધનો રાખવામાં આવ્યું. ધનાના પિતા હરિભાઈ પણ ભગવાનના સચ્ચા ભક્ત હતા અને નિયમિત રીતે રામજી મંદિરની સેવા-પૂજા કરતા. ધનાભગત બાળપણથી જ પિતાની સાથે મંદિરે જતાં અને ધીરે-ધીરે તેમના જીવનમાં ભક્તિનો રંગ ચડતો ગયો.
બાળપણમાં પ્રભુનો પરચો
એક દિવસની વાત છે. ધનાની ઉંમર માત્ર ૯ વર્ષની હતી. તે દિવસે તેના પિતા હરિભાઈ, મોટાભાઈ રામભાઈ અને મોટાબેન બધા વાડીએ ખેતીના કામે જવા નીકળ્યા. જતાં પહેલાં પિતાએ ધનાને કહ્યું:
“અમે વાડીએ જઈએ છીએ, તું ઘરે રહીને પ્રભુને થાળ ધરી જમાડી લે અને પછી તું પણ જમજે.”
બપોર થઈ. ધનો થાળ લઈને ભગવાનની મૂર્તિ સામે બેસી ગયો અને બોલ્યો:
“લ્યો પ્રભુ, જમી લ્યો. તમે જમી લેશો પછી હું જમું.”
બાળબુદ્ધિથી ભરેલો ધનો એ સમજતો નહોતો કે મૂર્તિને થાળ ધરાય છે, પ્રભુ સાક્ષાત જમતા નથી. તે લાંબો સમય રાહ જોતો રહ્યો. જ્યારે ભગવાન જમ્યા નહીં, ત્યારે ધનાને લાગ્યું કે કદાચ પ્રભુ તેના પર રિસાયા છે. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે પ્રભુને કાલાવાલા કરવા લાગ્યો:
“હે પ્રભુ, મને બહુ ભૂખ લાગી છે. તમે એકવાર જમી લ્યો, પછી હું પણ જમીશ.”
સાંજ પડી ગઈ, પણ ધનો જમ્યો નહીં.
ઘરે બધા પાછા આવ્યા. ધનાને રડતો જોઈને પિતાએ પૂછ્યું કે શું થયું? ધનાએ કહ્યું:
“પ્રભુ જમતા નથી, એટલે હું પણ જમ્યો નથી.”
પિતાએ સમજાવ્યું કે પ્રભુને થાળ માત્ર ધરાય છે, જમાડવામાં આવતું નથી. પરંતુ ધનાએ બાળહઠ પકડી:
“હું તો પ્રભુ જમે પછી જ જમું.”
બધા લોકો મંદિરે ગયા. ગામના લોકો પણ આવ્યા અને ધનાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તે પોતાના હઠ પર અડગ રહ્યો.
એ જ સમયે એક અદ્ભુત ઘટના બની. ઓરડામાં અચાનક દિવ્ય પ્રકાશ ફેલાયો. સાક્ષાત પરમાત્મા મૂર્તિમાંથી પ્રગટ થયા. ધનાએ પોતાની થાળ આગળ ધરી. ભગવાને થાળમાંથી રોટલાનો એક પછી એક કાળિયો લીધો.
થોડી વારમાં ધનાએ કહ્યું:
“પ્રભુ, હવે બસ. ઘરમાં બીજું કઈ નથી. મને પણ બહુ ભૂખ લાગી છે.”
એમ કહીને ધનાએ રોટલો પાછો લઈ લીધો અને પોતે જમવા લાગ્યો. ધનાની નિષ્કપટ ભક્તિ જોઈ ભગવાન પ્રસન્ન થયા. આ વાત આખા ધોળા ગામમાં પ્રસરી ગઈ.
⸻
રેતી વાવી અને તુંબડા ઊગ્યા
એક વખત વાવણીનો સમય આવ્યો. રામભાઈએ ઘરમાંથી જે થોડું ઘણું બિયારણ અને ખાવાના ઘઉં હતા, તે બધું ધનાભગતને આપીને કહ્યું:
“જા ધના, ખેતરમાં વાવી દેજે.”
ધનાભગત બળદગાડું લઈને વાવણી માટે નીકળ્યા. રસ્તામાં સાધુઓની મંડળી મળી. સાધુઓએ કહ્યું કે ઘણા દિવસથી તેમણે કશું ખાધું નથી. ધનાભગતે કોઈ વિચાર કર્યા વગર પોતાની થેલીમાં રહેલું આખું બિયારણ સાધુઓને આપી દીધું.
પછી તેને ખ્યાલ આવ્યો કે હવે વાવવા માટે કશું બચ્યું નથી. છતાં તે ભગવાનનું નામ લેતો લેતો ખેતરે પહોંચ્યો. નળીયાનેરુમાંથી રેતી ભરી અને એ રેતી ખેતરમાં વાવી દીધી.
સાંજે પ્રભુને પ્રાર્થના કરી:
“વેળુ વાવી વાલથી, અને ધનો કરે પોકર
લાજું રાખજે વિઠલા, તું તો જગતનો પાલણહાર.”
થોડા દિવસોમાં જ્યારે પાણી આપવામાં આવ્યું, ત્યારે ધનાભગતના ખેતરમાં ઘઉં નહીં, પરંતુ તુંબડાના વેલા ઊગ્યા. આખું ખેતર તુંબડાથી ભરાઈ ગયું.
જ્યારે મોટાભાઈ રામભાઈએ આ જોયું, ત્યારે તેઓ દુઃખી થયા. પરંતુ જ્યારે એક તુંબડું ફોડી જોયું, ત્યારે તેમાંમાંથી ઘઉં નીકળ્યા.
આ જોઈ રામભાઈ રડી પડ્યા અને ધનાભગતને ભેટી પડ્યા:
“ધન્ય છે તારી ભક્તિ!”
ધનાભગત રડીને બોલ્યા:
“હે પ્રભુ, તારે મારું કામ કરવા આવવું પડ્યું.”
ગામના લોકો ધનાભગતના દર્શન કરવા લાગ્યા. તે ઘઉં સૌને પ્રસાદરૂપે આપતા અને કહેતા:
“આ પ્રભુની પ્રસાદી છે, તમારા ઘરમાં ક્યારેય અન્ન ખૂટશે નહીં.”
“વેળુ વાવી અને ઊગ્યા તુંબડા, પ્રભુની લીલા અપરંપાર
તુંબડા તૂટ્યા ને ઘઉં થયા, ધનો રોવે ચૌધાર.”
⸻
સમાધિ અને પરંપરા
પાળીયાદથી વિહામણ બાપુ, બાવળિયાળીથી નગાલાખા બાપા અને પિપરાળીથી દાદુપીર જેવા મહાન સંતોના આશીર્વાદથી ધોળા ધનાભગતનું ધોળા તરીકે પ્રસિદ્ધ થયું.
એક દિવસ ધનાભગતે ભક્તોને જણાવ્યું:
“મારો સમય હવે પૂર્ણ થયો છે. જગ્યા નો કારભાર હું મારા પુત્ર દયાળને સોંપું છું.”
અષાઢ સુદ પાંચમ, ગુરુવારના દિવસે “તુંહી ઠાકર, તુંહી ઠાકર” નો જાપ કરતા કરતા ધનાભગતે સમાધિ લીધી.
બાપાના પછી:
• દયાળભગતે જગ્યા સંભાળી
• ત્યારબાદ કાળુભગત
• પછી ગોપાળભગત
• ત્યારબાદ જાદવભગત
• પછી ભગવાનભગત
• ત્યારબાદ પરષોત્તમભગત
• અને હાલમાં બાબુરામ ભગત જગ્યા સંભાળી રહ્યા છે
આજે ધોળામાં ૨૪ કલાક અન્નક્ષેત્ર ચાલુ છે.
ધોળા જઈને પરમ પૂજ્ય સંત શ્રી ધનાબાપા (ધનાભગત) ના દર્શન કરજો 🙏


No comments:
Post a Comment
Your Comments Here...